Abtak Media Google News

સુરત મહાનગરપાલિકાના મેયર પણ કરાશે જાહેર

જામનગરના મેયરપદે જૈન સમાજના બીનાબેન કોઠારીની નિયુકિત લગભગ ફાઇનલ: રાજકોટના મેયર માટે ત્રણ નામો ચર્ચામાં

મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડકના નામોની પણ કરાશે જાહેરાત

અમદાવાદ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની ગઇકાલે નિમણુંક કરાયા બાદ આવતીકાલે રાજકોટ, જામનગર અને સુરત  મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડીંગ કમીટીના 1ર સભ્યોની વરણી કરવા માટે આવતીકાલે સવારે મહાપાલિકામાં બોર્ડ બેઠક મળશે પ્રદેશ હાઇકમાન્ડે મોકલેલા બંધ કવર ખૂલશે અને રાજકોટ, જામનગર અને સુરતવાસીઓને નવા મેરય મળી જશે.રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 11 કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી સ્થત સ્વ. રમેશભાઇ છાયા સભાગૃહ ખાતે ખાસ બોર્ડ બેઠક મળશે આ પૂર્વ 10 વાગ્યે ભાજપના નવનિયુકત નગરસેવકોની એક સંકલન બેઠક યોજાશે. જેમાં પ્રદેશમાંથી બંધ કવરમાં આવેલા નામોની જાહેરાત કરવામાં આવશે. મેયરપદની પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી કેટેગરી માટે અનામત હોય ડો. અલ્પેશ મોરઝરીયા, પ્રદિપભાઇ ડવ અને નિલેશ જળુ ઉપરાંત બાબુભાઇ ઉધરેજા અને નરેન્દ્ર ડવના નામો ચર્ચામાં છે. જો કે ભાજપ મોરઝરીયા અથવા ડવ બેમાંથી કોઇ એક પર પસંદગીનું કળશ ઢોળે તેવી શકયતા જણાય રહી છે.  ડેપ્યુટી મેયર પદ માટે ડો.દર્શીતાબેન શાહ, ડો. દર્શનાબેન શાહ, નયનાબેન પેઢડીયા અને કેચનબેન સિઘ્ધપુરાના નામો ચર્ચાય રહ્યા છે. જયારે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદ માટે દેવાંગભાઇ માંકડ, પુષ્કરભાઇ પટેલ, અશ્ર્વિન પાંભર, મનીષ રાડીયા અને જયમીન ઠાકરના નામો પ્રબળ દાવેદારોમાં મનાઇ રહ્યા છે. જો કે છેલ્લે ચાર ટર્મથી દર વખતે રાજકોટ માટે પ્રદેશ ભાજપ સરપ્રાઇઝ નામની જાહેરાત કરે છે. આ વખતે પણ કંઇક આવી જ ભીતી શહેર ભાજપને સતાવી રહી છે. જે નામો ચર્ચાય  રહ્યા છે. તે કયાય જાય અને કોઇ નવા ચહેરાને જ ખુરશી પર બેસાડી દેવામાં આવે.

Advertisement

નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ આવતીકાલે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા હોય તેઓ જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસક પક્ષના નેતા કે દંડકના નામની સત્તવારા જાહેરાત કરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

જામનગર મહાનગરપાલિકાના એક માત્ર મેયર માટે સૌથી પ્રબળ મહિલા દાવેદાર બીનાબેન કોઠારી છે, બાકી બધા અનુમાન લગાડવામાં આવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50 સીટો સાથે ભવ્ય વિજય મેળવનાર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો વચ્ચે હવે હોદ્દો મેળવવાની હોડ લાગી છે. મેયરપદ મહિલા માટે અનામત હોય તેના માટે સૌથી પ્રબળ દાવેદાર બીનાબેન કોઠારીને માનવામાં આવી રહ્યાં છે. તેઓ આરએસએસનું પૃષ્ઠભૂમિ સાથે સિનિયર અને જૈન સમાજમાંથી આવે છે જે બધી બાબતો તેની તરફેણમાં જાય છે.

જામનગર મહાનગરપાલિકાનો ઈતિહાસ જોતા મહાપાલિકાના ડેપ્યુટી મેયરપદે જે પણ બિરાજમાન થાય છે તેની રાજકીય કારર્કિદી લગભગ સમાપ્ત જેવી થઈ જાય છે. દા.ત. ભૂતકાળમાં ડેપ્યુટી મેયર બનેલા વનરાજસિંહ જાડેજા, લીલાવંતીબેન કંસારા, ભારતીબા સોઢા, રેખાબેન શર્મા, ભરતભાઈ મહેતા, કરશન કરમુર, સોનલબેન જોષી, શિષીર કટારમલ, ગોવિંદ રાઠોડ, મંજુલાબેન હિરપરા, મનસુખ ખાણધર, કિરણબેન શેઠ, તુલસીભાઈ પટેલ વગેરે ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે જેઓ અત્યારે ન તો કોર્પોરેટર છે ન તો અન્ય કોઈ ખાસ હોદ્દા ઉપર છે, જેના પગલે ડેપ્યુટી મેયરની ખુરશી શ્રાપિત હોવાની બાબત મહાપાલિકામાં અત્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.