Abtak Media Google News

ખાનપર ગામના દલિત સમાજના આગેવાનો સાથે સતત પાંચ કલાક મેરેથોન બેઠક બાદ પ્રશ્ન ઉકેલાયો : મૃતદેહ સ્વીકારી લેવાયો

મોરબીના ખાનપર ગામે દલિત સમાજને સ્મશાનભૂમિ માટે જમીન ફળવવાને લઈ ચાલતા વિવાદમાં દલિત વયોવૃદ્ધના મૃત્યુ બાદ ગઈકાલે મૃતદેહ સાથે કલેકટર કચેરીએ ધસી આવેલા આગેવાનો સાથે સતત પાંચ કલાકની મેરેથોન બેઠકના દૌરને અંતે મામલો થાળે પડ્યો હતો અને દલિત સમાજ માટે ખાનપરમાં વધુ ૨૦ ગુઠા જમીન ફાળવવા નક્કી કરતા મૃતદેહનો કબજો સંભાળી લેવામાં આવ્યો હતો.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ખાનપર ગામે સ્મશાનની જમીન ફાળવણીને લઈ ચાલતા વિવાદમાં બુધવારે અડધી રાત્રે મળેલી બેઠક પડી ભાંગ્યા બાદ ગઈકાલે સવારે દલિત આગેવાનોએ ચીમકી મુજબ મૃતદેહની દફનવિધિ કલેકટર કચેરીમાં કરવાની તૈયારી સાથે પાવડા, ત્રિકમ અને કોદાળી સહિતના સાધનો સાથે કચેરીમાં ૧૦૦ થી વધુ લોકોએ ધામા નાખતા અજંપા ભરી સ્થિતિ વચ્ચે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો બીજી તરફ દલિત સમાજના આગેવાનો સાથે મિટિંગનો દૌર સતત ચાલુ રાખવામાં આવ્યા બાદ પાંચેક કલાકની લાંબી મંત્રણાને અંતે દલિત સમાજના સ્મશાન માટે ખાનપર સર્વે નમ્બર – ૨ ની જમીનમાં વધારાની ૨૦ ગુઠા જમીન ફાળવવા નિર્ણય કરતા દલિત આગેવાનોએ સમાધાન કારી વલણ અપનાવી ડાયાભાઇ પમાભાઈ નામના દલિત વૃદ્ધની લાશ સ્વીકારી હતી અને કલેકટર તંત્ર અને પોલીસ તંત્રએ હાશકારો લીધો હતો

નોંધનીય છે કે મોરબીના ખાનપર ગામે અનુસૂચિત જાતિ સમાજ માટે સ્મશાનની જમીન ફાળવવામાં હાઇકોર્ટના આદેશ છતાં કલેકટર તંત્ર દ્વારા જમીન ફાળવણી ન કરવામાં આવતા અગાઉ આપેલી ચીમકી મુજબ ગામના આગેવાન દ્વારા જો મુદત વીત્યા બાદ સમાજના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થશે તો લાશની દફનવિધિ કલેકટર કચેરીમાં કરવા જાહેર કર્યું હતું તેવામાં ખાનપરમાં અનુ.જાતિના એક વ્યક્તિનું મૃત્યુ નિપજતા જિલ્લા કલેકટરે સુપ્રિમકોર્ટની જેમ જ અડધી રાત્રે તાકીદની બેઠક યોજી નિર્ણય કરવા મજબૂર થવું પડ્યું હતું, જો કે બેઠક બાદ પણ નિવેડો ન આવતા ગઈકાલે સવારે અનુજાતિ સમાજે ચીમકી મુજબ જ દલિત સમાજના ૧૦૦ લોકો મૃતદેહ સાથે સવારે કલેકટર કચેરીએ ઘસી આવ્યા હતા.

મોરબીના ખાનપર ગામમાં દલિત સમાજના સ્મશાનની જમીન મુદ્દે પાંચ વર્ષ પહેલા વિવાદ થતા મામલો હાઈકોર્ટમા પહોંચ્યો હતો જેમાં કોર્ટે પાંચ માસમાં ઉકેલ લાવવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં કલેકટર તંત્રએ ગંભીર બાબતની દરકાર લીધી ન હતી.બીજી તરફ કલેકટર તંત્રની કરમની કઠણાઈ સર્જાતા આજના દિવસે ગામનાં ડાયાભાઈ પમાભાઈ પરમારનું મોત નીપજ્યું હતુ. અને સ્મશાનની જમીન ન મળતાં દલિત આગેવાનોએ અગાવ આપેલી ચીમકી મુજબ મોરબી કલેક્ટર કચેરીમાં લાશ દફનવવાનું જાહેર કરી ગઈકાલે સવારમાં મૃતદેહ સાથે દલિત સમાજ કલેકટર કચેરીએ પહોંચી ગયો હતો.

બાદમાં મામલાની ગંભીરતા જોતા રેન્જ આઈજી, જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા, એએસપી, સહિતના ઉચ્ચ અધિકારીઓએ સવારથી બેઠકનો ધમધમાટ શરૂ કર્યો હતો અને બાદમાં દલિત સમાજના આગેવાનો સાથે દોઢ કલાક સુધી બંધ બારણે મંત્રણા કરી મામલો થાળે પાડ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.