Abtak Media Google News

મુખ્યમંત્રી પટનાયકની સરકારના સૌથી ધનિક મંત્રીઓ
પૈકી એક હતા નબ કિશોર દાસ

ઓડિશાનાં આરોગ્ય મંત્રી નાબા કિશોર દાસ બ્રજરાજનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોચ્યા હતા. મંત્રી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો તેમની કારની આસપાસ ભેગા થઈ ગયા હતા અને કાર્યકરો તેમને હાર પહેરાવા જઈ રહ્યાં હતા, ત્યારે તેમની સુરક્ષામાં રહેલા એએસઆઈએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. દાસને છાતીમાં ગોળી વાગતા તેમના કાર્યકરોએ તેમને પકડી લીધા હતા અને એમ્બુલન્સ બોલાવી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યારબાદ તેમને વધુ સારવાર માટે એરલિફ્ટ કરીને ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાના લગભગ ૭ કલાક પછી દાસનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ.

નાબા કિશોર દાસની જ્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક તેમની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નવીન પટ્ટનાયકે આ અંગે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઘટના બાદ બ્રજનગરમાં હોબાળો થયો હતો અને બીજેડીના કાર્યકરોએ સુરક્ષા ચુક પર સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક કાર્યકરોએ દાવો કર્યો હતો કે, મંત્રીજીને ટાર્ગેટ બનાવવામાં આવ્યા.

નાબા કિશોર દાસે ઓરિસ્સાના ઝરસુગુડા સીટ પરથી ૨૦૦૪માં પ્રથમ વખત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી જેમાં તેમની હાર થઈ હતી. ૨૦૦૯માં ફરીથી તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. તેઓ ૨૦૧૪માં પણ કોંગ્રેસમાંથી જીત્યા હતા. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં તેઓ સતત ત્રીજી વખત આ સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. તેમને આ ક્ષેત્રના દિગ્ગજ નેતા માનવામાં આવે છે.

નબા કિશોર દાસ અભ્યાસે લોયર અને વ્યવસાયે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી હતા. દાસ ઓરિસ્સાની નવીન પટનાયક સરકારના બીજા ક્રમના સૌથી ધનિક મંત્રી હતા. ગત વર્ષે જ્યારે મુખ્યમંત્રી પટનાયકે કેબિનેટ રિસફલ કર્યું ત્યારે ફક્ત નવ મંત્રીઓને જ મંત્રાલયમાં યથાવત રાખવામાં આવ્યા હતા અને દાસ તે પૈકી એક હતા. કોરોના મહામારી દરમિયાન દાસની કામગીરી અતિ મહત્વપૂર્ણ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.