પ્રથમ અંડર-૧૯ ટી20 મહિલા વિશ્વકપની ‘સરતાજ’ ભારત !!!

બીસીસીઆઈએ ભારતીય ટીમ માટે 5 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી !!!

ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. અગાઉ સિનિયર ટીમ કેટલાક પ્રસંગે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી પરંતુ ટાઇટલ જીતી શકી નહોતી. હવે ભારતની યુવા બ્રિગેડે આ સપનું સાકાર કર્યું છે.ભારતીય મહિલા ટીમે કરિશ્માઈ પ્રદર્શન કરીને અંડર-19 ટી-20 વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. શેફાલી વર્માની આગેવાની હેઠળની યુવા મહિલા ટીમે ટાઈટલ મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 68 રનમાં આઉટ કરી દીધું અને પછી માત્ર 2 વિકેટ ગુમાવીને ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો. આ ટૂર્નામેન્ટ પ્રથમ વખત યોજવામાં આવી હતી અને આમ પુરુષોના ટી20 વર્લ્ડ કપ 2007ની જેમ ભારતે આઈસીસી અંડર-19 ટી20 વર્લ્ડ કપ 2023 પણ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય અંડર-19 મહિલા ટીમે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો હતો.

ભારતે 36 બોલ બાકી હતા ત્યારે આસાનીથી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પહેલા બેટિંગ કરીને ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી સૌમ્યા તિવારી 24 રન બનાવી અણનમ રહી હતી. સાથે જ જી.ત્રિશાએ પણ 24 રન બનાવ્યા હતા. કેપ્ટન શેફાલી વર્માએ ટીમની ઝોળીમાં 15 રન ઉમેર્યાં હતા.

ઈંગ્લેન્ડને હરાવીને અંડર-19 ટી20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ટીમ માટે મોટા ઈનામની જાહેરાત કરાઈ છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને ટીમને અભિનંદન આપતાં તેમને માટે 5 કરોડના ઈનામની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ મહિલા યુવા બ્રિગેડને પ્રોત્સાહિત કરી હતી અને ભવિષ્ય માટે અત્યંત સારું પ્રદર્શન કરવા હાકલ પણ કરી હતી.  એટલુંજ નહીં મહિલા ક્રિકેટ ટીમને 1લી ફેબ્રુઆરી ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવવા આમંત્રિત કરી છે જ્યાં તેઓનું સન્માન પણ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમના દીગજ ખેલાડીઓએ પણ મહિલા ટીમને શાબ્દિક આવકારી હતી અને તેમની રમતને બિરદાવી હતી.