Abtak Media Google News

સપ્ત સંગીતિ 2024 ની સાત દિવસની સફર જાણે કે કલારસિકો માટે તો પળવારમાં પસાર થઈ ગઈ હોય તેવુ લાગ્યું હતું. શાસ્ત્રીય વાદન અને ગાયન રસના મિશ્રણથી બનેલ આ સમારંભ તેના અંતિમ પડાવમાં લોકગાયક ઓસમાણ મીર અને આમિર મીરના કંઠય સંગીતથી સમાપ્ત થયો હતો. ઓસમાણ મીરની લોકચાહના સપ્ત સંગીતિમાં ચાહકોની અપ્રતિમ હાજરી રાજકોટવાસીઓનો સંગીત પ્રેમની અભિવ્યક્તિ કરાવી ગઈ હતી. દર્શકોના વણથંભ્યા તાલીઓના ગડગડાટ, આનંદની ચીચીયારીઓ અને વન્સ મોરના શોરથી સભાખંડ ગુંજી ઉઠયો હતો. કાર્યક્રમ નિ:શુલ્ક અને વહેલા તે પહેલાના ધોરણે હોય, હેમુગઢવી ઓડીટોરીયમ સ્થળે સંગીતના કદરદાન શ્રોતાઓની ભીડ સાંજથી જ જામવા લાગી હતી.

ઓસમાણ-આમિર મીરની ગાયકીએ શાસ્ત્રીય  સંગીતના રાગો, શિવ તાંડવ સ્તુતિ, ગુજરાતી ગીતોની મેડલી, સહિતની વૈવિધ્યસભર સંગમથી શ્રોતાઓ અભિભૂત થયા

સંગીત માણવા આવનાર દરેક શ્રોતાને નિરાશ કર્યા વગર હેમુગઢવી હોલના બન્ને ઓડીટોરીયમ ઉપરાંત પ્રાંગણમાં પણ એલ.ઈ.ડી. સ્ક્રિન પર લાઇવ જોવાની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત સાતેય દિવસની માફક સપ્ત સંગીતિના યુટયુબ ચેનલ પર કાર્યક્રમને લાઇવ નિહાળવા દેશ-વિદેશના હજારો ચાહકો જોડાયા હતા અને આયાફેજકોને બિરદાવ્યા હતા.

કાર્યક્રમની શરુઆત સાતમાં દિવસના પેટ્રન રાધિકા જવેલર્સ અશોકભાઈ, અતિથિ  અંજલીબેન રૂપાણી,   ગુણવંતભાઈ ડેલાવાળા અને નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટરોના શુભહસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.  ઓસમાણભાઇએ સભાની શરૂઆત નમસ્તસ્યે સ્તુતિથી કરી હતી. ત્યારબાદ તેમણે અવિનાશ વ્યાસની રચના માડી તારું કંકુ ખર્યું ઉપ શાસ્ત્રિય સંગીતમાં રજૂ કર્યું. કોક દિ તો ભૂલો પડ ભગવાન મારા કાઠિયાવાડ માં અને ધૂણી રે ધખાવી બેલી મે તો તારા નામની ભકિત ગીત અંત ભાગમાં દોહા સાથે રજૂ કર્યું હતું.

તબલા, ડ્રમ, કી બોર્ડ, બેન્જો સહિતના વાદ્યોનું સુંદર સંયોજન અને સાથે ઓસમાણ અને આમિર મીરના અવાજની હલક, લયકારીએ જાણે જાદુ સજર્યો હતો. બે રચના પછી જ્યારે તેમણે નાદ વૈભવમાં બમ બમ ડમરુ બાજે ધૂન શિવ તાંડવની રજૂઆત કરી ત્યારે તો આખું સભાગૃહ ઝૂમ્યું હતું. ઓસમાણ મીર શ્રોતાઓની રુચિ અને નાળ પારખે છે, તેથી લોકોને ગમતી રચનાઓની પસંદગીથી દર્શકોનો પણ અદભૂત પ્રતિસાદ સાંપડયો હતો. રાગ દરબારી કાનડામાં તેમની પ્રિય રચના સાજણ આયો રે, એ રી સખી મંગલ ગાઓ રી જયારે રજૂ કર્યું ત્યારેતો શ્રોતાઓએ આ રચનાને વધાવી લીધી હતી અને ઓસમાણભાઇએ સૌ શ્રોતાઓને સાથે ગાવાનું આહવાન કરતા આખો સભાખંડ લોકગીતોથી ગુંજી ઉઠયો હતો. દમા દમ મસ્તકલંદર અને છાપ તિલક સબ છીની જેવી સૂફી રચનાઓની રજૂઆત પણ એક અલગ છાપ છોડી ગઈ હતી.

આ સાત દિવસના કાર્યક્રમોને માણવા હજારો લોકોએ રસ દાખવ્યો હતો અને દેશના 50 થી વધુ શહેરોમાંથી કલારસીકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. સતત સાત દિવસ શ્રોતાઓએ શિષ્તબધ્ધ રીતે, મનભરી આ કાર્યક્રમોને માણ્યા હતા. સપ્ત સંગીતિના સઘળા આયોજનનો યશ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના તમામ ડિરેકટરોને જાય છે.

કાર્યક્રમની સફળતામાં 100 થી વધુ સ્વયં સેવકોની સમર્પીત ટીમ દ્વારા સતત સાત દિવસ દરમિયાન બહોળી સંખ્યામાં કાર્યક્રમ માણવા આવતા કલાપ્રેમીઓની સુચારૂ વ્યવસ્થા જાળવી હતી અને આયોજનને અપ્રતિમ સફળતા અપાવી હતી. આ સફળતા માટે કાર્યક્રમ માણનાર તમામ કલારસિકોએ આયોજકો ઉપર અભિનંદન વર્ષા કરી હતી. આ સફળ આયોજન માટે નીઓ રાજકોટના ડિરેક્ટરોએ સર્વે નિસ્વાર્થ સ્વયંસેવકોની ટીમનો, રાજકોટના તમામ શ્રોતાઓનો, તમામ મિડિયા અને અખબારો અને તમામ એજન્સીઓનો કે જેમણે આખા કાર્યક્રમને સફળ બનાવ્યો તે તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને આવતા વર્ષે ફરી નુતન હેતુ માટે નવા રુપરંગ સાથે પ્રસ્તુત થવાની નેમ વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.