Abtak Media Google News

પગની ઘૂંટીની ઈજાને કારણે હાલમાં ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ભારતમાં જ રમનાર ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં વાપસી કરે તેવી શક્યતા છે. અર્જુન એવોર્ડથી સન્માનિત શમીએ જણાવ્યું કે નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની રિકવરી સારી ચાલી રહી છે. અને તે ઈંગ્લેન્ડ શ્રેણીની પસંદગી માટે સજ્જ રહેશે.

મોહમ્મદ શમીની રિકવરી સારી, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ રમે તેવી પ્રબળ શકયતા

મારી રિકવરી સારી રીતે ચાલી રહી છે અને એનસીએના તબીબી નિષ્ણાતો મારી પ્રગતિથી ખુશ છે.  મારી પગની ઘૂંટી થોડી કડક છે પણ તે ઠીક છે.  મેં મારી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને મને વિશ્વાસ છે કે હું ઈંગ્લેન્ડ શ્રેણીમાં પુનરાગમન કરી શકીશ.

શમી ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં રમાયેલી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં રમી શક્યો ન હતો, જોકે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અમે બીજી ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું.  બધાએ યોગદાન આપ્યું અને અમારો બોલિંગ પ્રયાસ શાનદાર રહ્યો.  ભારત માટે શ્રેણી બરોબરી કરવા માટે તે શાનદાર પુનરાગમન હતું.  કમનસીબે, ઈજાના કારણે હું રમી શક્યો ન હતો પરંતુ હું શક્ય તેટલી વહેલી તકે ક્રિકેટમાં પાછા ફરવા માંગુ છું. એમ શમીએ કહ્યું.

શમીએ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ખુદના વર્તમાન ભારતીય પેસ ત્રિપુટીની પ્રશંસા કરતા કહ્યું, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે અમારી પાસે વિશ્વના સર્વશ્રેષ્ઠ પેસ એટેકર છે. ઓડીઆઈ વર્લ્ડ કપ દરમિયાન બધાએ તે જોયું હશે.  જસપ્રીત અને સિરાજે સાઉથ આફ્રિકા શ્રેણીની બીજી ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી હતી.  હું એટલું જ કહી શકું છું કે આપણું પેસ એટેક વિશ્વની કોઈપણ ટીમને પડકારવા માટે પૂરતું  છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.