Abtak Media Google News

જામનગરની સિવિલ હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે, અગાઉ મોરબી કે અન્ય શહેરોમાંથી જામનગર ખસેડાતા દર્દીની સંખ્યામાં ધરખમ વધારો થતા અન્ય શહેરના દર્દીને જામનગર ન લાવવા માટે પણ સૂચના અપાઈ હતી ત્યારે આજે જામનગરની સિવિલ હોસ્પીટલમાં ઓકસીજનનો પુરતો જથ્થો ન હોવાથી અનેક દર્દીઓનું ઓકસીજન સપોર્ટ કાઢી લેવાયું હતું. જેમાં એક દર્દીનું મોત થઈ જતા તેમના પરિવારજનોએ હોસ્પિટલ માં હોબાળો મચાવી બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કર્યો હતો.મૃતક છગનભાઈ બચુભાઈ ચારોલા (ઉ.વ.65) જામનગર સિવિલ હોસ્પીટલના પાંચમા માળે બી બિલ્ડીંગમાં વોર્ડ નં.13 એફમાં દાખલ હતા તેમનું આજે સવારે 10 વાગ્યા આસપાસ મોત નીપજયું હતું.મૃતકના પુત્ર કરણભાઈ (ઉ.વ.25) એ જણાવ્યું હતું કે, અમે મોરબી નજીકના રંગપર બેલા ગામના વતની છીએ. હું ટાઈલ્સ ટ્રેડીંગનું કામ કરું છું અને મારા પિતા છગનભાઈ ખેતી કરે છે. તા.10 એપ્રિલના રોજ મારા પિતાનો કોરોના આરટીપીસીઆર રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે, મોરબી ખાતે ઓકસીજન અને કોઈ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ન થતા તેમને તા.14ના રોજ તબીયત વધુ લથડતા જામનગર સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

અહીં તેઓ ઓકસીજન સપોર્ટ પર હતા. ત્યારબાદ તેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ શ્વાસની તકલીફ રહેતા તેમની સ્થિતિ ક્રીટીકલ હોવાથી ઓકસીજન ઉપર જ રખાયા હતા. 7-8 દિવસ પહેલા અહીના ડોકટરે કહ્યું હતું કે, દર્દીને વેન્ટીલેટર ઉપર રાખવાની જરૂરિયાત છે. પરંતુ વેન્ટીલેટર ન મળતા ઓકસીજન ઉપર જ તેમની સારવાર ચાલતી હતી. આજે સવારે દસ-સાડા દસ વાગ્યા આસપાસ વોર્ડનં.13 એફ માં મોટાભાગના દર્દીઓના ઓકસજન સ્પોર્ટ કાઢી લેવાયા હતા. મારા પિતા પાસે મારા માતા સતત હાજર હતા. તેઓએ હાજર મેડીકલ સ્ટાફને વિનંતી કરી કે મારા પિતાનું ઓકસીજન સ્પોર્ટ કાઢવામાં ન આવે છતાં હાજર સ્ટાફે ઓકસીજન સ્પોર્ટ કાઢી લેતા એક મીનીટમાં જ તેમનું અવસાન થયું હતું. કરણભાઈએ આક્ષેપ સાથે જણાવ્યું કે, મારા પિતાની સ્થિતિ ક્રીટીકલ હતી છતાં ઓકસીજન સ્પોર્ટ કાઢી લેવાયુ. તેમના મોત બાદ અમે મેડીકલ સ્ટાફ પાસે જવાબ માંગ્યો તો તેમણે જણાવ્યું કે, ઓકસીજન સપ્લાય ઓછી હોવાથી ડો. કીંજલ મેડમના કહેવાથી ઓકસીજન સપોર્ટ કાઢયું હતું.પરિવારે હોસ્પીટલમાં જ હોબાળો મચાવ્યો હતો અને મેડીકલ સ્ટાફ સાથે બોલાચાલી કરતા સીનીયર ડોકટરો પણ દોડી આવ્યા હતા. આ દરમિયાન પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પરિવારને સમજાવવા પ્રયાસ કર્યો હતો.

મૃતકના પુત્રએ રડતા-રડતા કહ્યું, જવાબદારને સજા થવી જોઈએ

ઓકસીજન સપોર્ટ કાઢી લેવાતા મૃત્યુ પામેલા છગનભાઈ ચારોલાના પુત્ર કરણભાઈએ જણાવ્યું કે, ઓકસીજન ન મળતા જ મારા પિતાનું મોત થયું છે. અમે માંગ કરી છે કે, તેમના મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે અને મૃત્યુનુ સાચુ કારણ જાણવામાં આવે તેમજ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેથી જવાબદારને સજા થાય, કરણભાઈએ રડતા-રડતા કહ્યું હતું કે, જવાબદારને સજા થવી જ જોઈએ.

ઓક્સિજનની ઘટથી દર્દીઓ મોતને ભેટી રહ્યા છે

જામનગર સિવિલમાં કોરોનાના મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ છે. ઓકસીજનની ઘટ વર્તાઈ રહી છે. ખુદ સીવીલનો મેડીકલ સ્ટાફ જ સ્વીકારે છે કે ઓકસીજન સપ્લાય પુરા પ્રમાણમાં નથી. મૃતક છગનભાઈના પરિવારજનોએ વિડીયો ઉતાર્યો હતો. જેમાં શા માટે ઓકસીજન સ્પોર્ટ હટાવાયું તેવું પૂછતા મેડીકલ સ્ટાફ કહે છે કે પુરતુ ઓકસીજન સપ્લાય ન હોવાથી કિંજલ મેડમે ઓકસીજન સ્પોર્ટ કાઢવા કહ્યું હતું. મેડીકલ સ્ટાફે સ્વીકાર્યું કે ઓકસીજન પુરતા પ્રમાણમાં નથી જેથી સરકારના દાવા સામે સવાલો ઉઠી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.