Abtak Media Google News

‘દેદી હમે  આઝાદી બિના ખડક્-બિના ઢાલ સાબરમતિ કેં સંત તુને કર દિયા કમાલ’ અહિંસાના પૂજારી-સ્વચ્છતાના પ્રખર હિમાયતી મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 154મી જન્મ જયંતિ છે. 143 કરોડ ભારતીયો એ આજે પોતાના અંતર આત્માને એક સવાલ પૂછવાની જરૂરિયાત છે કે, માત્ર પોતાના વિચારો અને  આચરણોથી અંગ્રેજોના શાસનને  લૂણો લગાવી ભારતને દોઢસો વર્ષથી કારમી ગુલામીમાંથી મૂકિત અપાવનાર પૂ. બાપૂના વિચારો આજે ભારતીયોના દિલો-દિમાગમાં કેટલા જીવંત છે. પૂ. બાપુના ફોટા પોતાના  વોલેટ અર્થાત પર્સમાં મોટીમાત્રામાં હોય તેવું તમામ ઈચ્છી રહ્યા છે.

પરંતુ તેઓનાં આચાર-વિચારનું રતિભાર પણ પાલન કરવામાં આવતું નથી. હવે દેશમાં આંગણીના વેઢે ગણી શકાય તેટલા જ ગાંધીવાદીઓ બચ્યા છે. બાકી રાષ્ટ્રપિતાના વિચારોને ખૂદ ભારતીયો જ ગળાટૂંપો આપી દીધો હોયતેવું લાગી રહ્યું છે.  સ્વચ્છતાથી લઈ અહિંસા સુધી ગાંધીજીના એકપણ વિચાર કે આચરણનું પાલન કરવામાં  આવતું નથી. ગાંધી જયંતી છે તેની યાદ પણ જાહેર રજા પૂરતી સિમિત થઈ ગઈ છે. પૂ. બાપુની પ્રતિમાને બે મિનિટ સમય કાઢી પુષ્પાંજલી અર્પવાનો સમય નથી.

ગાંધી ચિંધ્યો માર્ગ માત્ર આંદોલન પૂરતો સિમિત છે જયારે પણ કોઈ  વ્યકિત કે સમાજ અન્યાય કે પડતર પ્રશ્ર્નોને લઈ આંદોલનનું હથિયાર ઉગામે ત્યારે  તેમાં ચોકકસ એવું કહેવામાં આવે છે કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવી રહ્યું છે. બાકી પૂ. બાપુના વિચારો હવે સંપૂર્ણ પણે અસ્ત થઈ ગયા છે. ગાંધી જયંતિએ સ્વચ્છતા અભિયાન ચલાવવાથી શું ગાંધીજીને શાંતિ પ્રદાન થતી હશે તેવો વિચાર પણ  આવે છે. સ્વચ્છતા અને અહિંસાના પૂ. બાપુના વિચારો  365 દિવસ વહેતા રહેવા જોઈએ પરંતુ અફસોસ આપણે ત્યાં અભિયાન માત્રને માત્ર ફોટો સેશન પૂરતું મર્યાદિત રહી જાય છે. ગાંધીજી તમામ ભારતીયોને ગમે છે ચોકકસ પરંતુ જયારે બાપુનો ફોટો ખિસ્સામાં હોય ત્યારે બાકી પૂ. બાપુના વિચાર-આચરણ આજની પેઢીને ભારરૂપ લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.