પડધરી: જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બઘડાટી, મહિલા સહિત પાંચ ઘાયલ

  • આઠ વર્ષ પહેલાં થયેલી હત્યાનો કેસ પાછો ખેંચવા હુમલો: મકાનમાં લૂંટ ચલાવ્યાનો આક્ષેપ
  • સામા પક્ષે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મહિલા સહિતનાઓએ માર માર્યાનો આક્ષેપ

પડધરી પાસે આવેલી માધવ હોટલમાં ગઇ કાલે બે જૂથ વચ્ચે સામસામે મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલા સહિત પાચ ઘવાતાં તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઠ વર્ષ પહેલાં થયેલી હત્યાના કેસમાં કેસ પાછો ખેંચવા માટે હુમલો કરી ઘરમાં રૂ.2.30 લાખની લૂટ ચલવ્યાનો આક્ષેપ કર્યો છે. તો સામા પક્ષે જ્ઞાતિ અંગે હડધૂત કરી ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરીમાં રહેતા શબીનાબેન ઈકબાલભાઈ હડફા (ઉ.વ.36) અને ગફારભાઈ દાઉદભાઈ હડફા (ઉ.વ.82) પર સોઢો, અભલો અને જયેશ બગડા અને ઓડી નામના શખ્સોએ માર મારતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે ગફારભાઈના પુત્ર ઈકબાલભાઈ જણાવ્યું હતું કે આઠ વર્ષ પહેલાં ઈકબાલભાઈના સાળાની હત્યા જયેશ બગડા સહિતનાઓએ કરી હતી. જેમાં ઈકબાલભાઈનો પુત્ર એઝાઝ સાક્ષી તરીકે છે. શનિવારની રાત્રીના ઈકબાલભાઈનો પુત્ર કાસિમ માધવ હોટલ પર હતો ત્યારે જયેશ બગડા સહિતનાઓએ તમે કેસ પાછો ખેંચી લ્યો તેમ કહી બીડીના ધુમાડા કાસિમના મોઢા પર ઉડાડી માર માર્યો હતો.

જે બાબતે ઈકબાલભાઈને જાણ થતાં તેમના પત્ની શબીનાબેન સહિતના પરિવારજનો માધવ હોટલ ખાતે દોડી ગયા હતા. જ્યાં જયેશ બગડા, સિંધવ અને અભય સહિતના શખ્સોએ ધોકાથી માર માર્યો હતો. જેથી ઈકબાલભાઈ અને શબીના બેનને સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. તે દરમિયાન જયેશ, સિંધવ, અભય અને ઓડી નામના શખ્સો ધોકા લઈને ઈકબાલભાઈના ઘરે પહોંચ્યા હતા જ્યાં ઈકબાલભાઈ હાજર ન મળી આવતા આ શખ્સોએ તેમના પિતા ગફારભાઈને માર મારી ઘરમાં તોડફોડ કરી રૂ.2.30 લાખની લૂટ ચલાવ્યા હોવાના આક્ષેપ કર્યા છે. હુમલામાં ઘવાયેલા ગફારભાઈ અને શબીના બેનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તો સામા પક્ષે પડધરીના મૌવૈયા સર્કલ પાસે રહેતા જયેશ સુરેશભાઈ બગડા (ઉ.વ.37), યશ ભુપતભાઈ ગોહિલ (ઉ.વ.21) અને સતીશ શાંતિભાઈ પરમાર (ઉ.વ.21) પર લાલો, શબીના બેન, ઇકબાલ, મહંમદ અને અજાણ્યા વ્યકિતઓએ હુમલો કરતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળ્યા મૂજબ લાલા નામના શખ્સે જ્ઞાતિ અંગે સતીશ પરમારને હડધૂત કરતા માથાકૂટ થઈ હતી. જેમાં છોડાવવા પડેલા જયેશભાઈ બગડા પર પણ હુમલો કર્યાના આક્ષેપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.