પડધરીની ત્રણ માસની શિવાનીએ 14 દિવસમાં કોરોનાને મ્હાત આપી

શરદી તાવના લક્ષણો દેખાતા રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી: શ્વાસ લેવામાં તકલીફ પડતા આંઠ દિવસ હાઈ ફ્લો ઓક્સિજન પર રાખવામાં આવી હતી

કોરોનાની મહામારીના હજુ ફૂંફાડા ચાલુ જ છે વેક્સિનેશનની કામગીરીના કારણે કોરોના મહંદ અંશે કાબુમાં આવી ગયો છે.જેના કારણે કોવિડ હોસ્પિટલના બેડો ખાલી થઇ ગયા છે.કોરોનાનો ભય લોકોમાં ઓછો થતો થઇ છે ત્યારે પડધરી પંથકની ત્રણ માસની બાળાએ કોરોનાને માત્ર 14 દિવસમાં મહાત આપી સ્વસ્થ થઇ ઘરે કિલોલ કરવા લાગી છે.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દોમડા ગામની અને મૂળ મધ્યપ્રદેશની માત્ર ત્રણ માસની શિવાની સુનીલભાઇ સોલંકી નામની બાળકીને ગત તા.9 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસથી શરદી, ઉધરસ અને તાવના લક્ષણો અને છેલ્લા એક દિવસથી શ્વાસ લેવાની તકલીફ હોવાથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. એ જ દિવસે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં શિવાનીને એડમિટ કરી કોરોના સંબંધી સારવાર શરૂ કરવામાં આવી હતી.

શિવાનીને શ્વાસની સમસ્યા હોવાથી તાત્કાલિક હાઇ ફલો ઓક્સિજન મશીન પર રાખવામાં આવી હતી. આઠ દિવસ સુધી સતત ઓક્સિજન અને અન્ય સઘન સારવારના પરિણામે શિવાનીને શ્વાસ લેવામાં થોડી રાહત મળી હતી. અને 17 સપ્ટેમ્બરે તો શિવાની જાતે શ્વાસ લેતી થઇ જતાં સાદા ઓક્સિજન પર શિફટ કરવામાં આવી.

કોઇ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિથી બચવા માટે શિવાનીને રૂમ એર પર રાખવામાં આવી. જેથી તેની સ્થિતિ સ્ટેબલ રહી હતી. તેણીને સંપૂર્ણ સ્વસ્થ થઇ જતાં અને અન્ય કોઇ પણ ગંભીર બીમારી ન હોવાથી 22 સપ્ટેમ્બરે શિવાનીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.

આ અંગેની પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, શિવાનીની સારવાર તજજ્ઞ પીડિયાટ્રીકસ ડોકટર્સ દ્વારા કરવામાં આવી, અને શિવાનીને 14 દિવસની સઘન સારવારના પ્રતાપે કોરોના જેવી બીમારીમાંથી બચાવી શકાઇ, જેનો અમને ખૂબ જ આનંદ છે.વધુમાં જણાવ્યું હતું કે,હવે ત્રીજી લહેર આવવાની સંભાવના ખૂબ ઓછી છે. છતાં રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના પાંચ કેસ વધતાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. કોવિડ ગાઈડલાઈનનું પાલન તેમજ ભીડવાળી જગ્યામાં લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જરૂરી છે. આ ઉપરાંત ખાસ કરીને બાળકો માટે વાલીઓએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે.

રાજકોટમાં 2 અને સૌરાષ્ટ્રમાં 9 કોરોનાના નવા કેસ

કોરોનાની લહેર શાંત થતા લોકો તેની હજુ રાહત લઇ રહ્યા છે.ત્યારે કોરોનાએ સૌરાષ્ટ્રમાં ફરી માથું ઉચક્યું હોઈ તેવું સામે આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં આજે બે સહીત સૌરાષ્ટ્રમાં 9 કોરોનાના નવા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. હાલ રાજકોટમાં કોરોનાના કેસનો આંક 42819 પર પહચયી છે. હાલ રાજકોટમાં કોરોનાના પાંચ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં 2,જામનગર શહેરમાં 1,અમરેલીમાં 1 અને ભાવનગરમાં એક મળી 9 કેસો સામે આવ્યા છે.