Abtak Media Google News
  • અટારી – વાઘા બોર્ડર પાકિસ્તાની ડ્રોન મારફત ડ્રગ્સ ઘુસાડવાનું કારસ્તાન નિષ્ફળ બનાવતી બીએસએફ 
જમ્મુ-કાશ્મીર હોય કે પંજાબ, પાકિસ્તાનની સરહદ પારથી નાપાક ગતિવિધિઓ અટકવાનું નામ નથી લઈ રહી. એક તરફ પાકિસ્તાન તરફથી જમ્મુ અને કાશ્મીરમાં સતત આતંકવાદીઓના કન્સાઈનમેન્ટ મોકલવામાં આવે છે અને બીજી તરફ પંજાબમાં નશાની સામગ્રી મોકલવાનું કારસ્તાન રચી રહ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)એ પંજાબમાં ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પહોંચાડવા માટે સરહદ પારથી ઉડતા ડ્રોનને તોડી પાડ્યું છે.
અમૃતસરના અટારીમાં બીએસએફ દ્વારા તોડી પાડવામાં આવેલ ડ્રોન ડ્રગના કન્સાઈનમેન્ટની ડિલિવરી કરવા આવ્યો હતો.  બીએસએફએ જણાવ્યું કે આ ડ્રોનમાંથી લગભગ 3.2 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.  આંતરરાષ્ટ્રીય સરહદનું ઉલ્લંઘન કરીને જ્યારે ડ્રોન ભારતમાં ઘુસ્યું ત્યારે બીએસએફને શંકા ગઈ અને જવાનોએ ડ્રોનને તોડી પાડ્યું હતું.
બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ અટારી-વાઘા બોર્ડર પર માદક દ્રવ્યોનું વહન કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમૃતસરમાં એલર્ટ બીએસએફના જવાનો દ્વારા ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરનાર પાકિસ્તાની ડ્રોનને અટકાવવામાં આવ્યું હતું અને તેને તોડી પાડવામાં આવ્યું હતું. અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સંદિગ્ધ માદક દ્રવ્યોના જપ્ત કરાયેલા માલનું કુલ વજન આશરે 3.2 કિલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.