ધો.૧૦માં વિજ્ઞાનનું પેપર સરળ: ડ્રાઈ હાઈડ્રોજન વાયુ બનાવવાનો પ્રયોગ પુછાયો

board exam | student
board exam | student

ધો.૧૦ના વિદ્યાર્થીઓને એમસીકયુ સહેલા લાગ્યા: મોટાભાગના પ્રશ્ર્નો પાઠયપુસ્તક આધારીત પુછાતા વિદ્યાર્થીઓ ખુશ: ડ્રાઈ હાઈડ્રોજન વાયુ બનાવવાનો પ્રયોગ પૂછાયા

બોર્ડની પરીક્ષાના ધો.૧૦માં આજે સવારના સેશનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પેપર લેવાયું હતું. વિદ્યાર્થીઓને આજનું પેપર મોટેભાગે પાઠયપુસ્તક આધારીત અને સરળ લાગતા છાત્રોમાં ખુશીની લહેર ફરી વળી હતી. એમસીકયુના પ્રશ્ર્નો ટવીસ્ટેડ પરંતુ પાઠયપુસ્તક આધારીત પુછાયા હતા. જયારે મોટાપ્રશ્ર્નો પ્રમાણમાં લેન્ધી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ધો.૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર લેવાયું હતું. પરીક્ષા દઈને આવેલા વિદ્યાર્થીઓએ આજના પેપર અંગે મંતવ્યો આપતા જણાવ્યું હતું કે, આજનું પેપર મોટેભાગે પાઠયપુસ્તક આધારીત પુછાયું હતું. ઘણા બધા પ્રશ્ર્નો એમસીકયુમાં ટવીસ્ટ કરીને પુછાયા હતા. જયારે મોટા પ્રશ્ર્નો પ્રમાણમાં લેન્ધી હોવાનું છાત્રોએ જણાવ્યું હતું.

વિજ્ઞાનના પેપરમાં પ્રયોગનું ખૂબ જ મહત્વ હોય છે. ૧૫ ગુણમાં ૩ પ્રયોગ પુછાયા હતા. જેમાંથી અંતર્ગોળ અરીસાનો, ડ્રાઈ હાઈડ્રોજન વાયુ બનાવટનો પ્રયોગ અને વનસ્પતિના મૂળ અને પ્રકાંડમાં થતી શ્ર્વસનની પ્રક્રિયા આકૃતી દ્વારા સમજાવવાનો પ્રશ્ર્ન પુછાયો હતો. આ ઉપરાંત ૧૦ ગુણના મોટા પ્રશ્ર્નોમાં નેનો ટેકનોલોજી, વિદ્યુત પૃથ્થકરણના નિયમોના પ્રશ્ર્નો પુછાયા હતા. એકંદરે સમગ્ર પ્રશ્ર્નપત્ર પાઠયપુસ્તક આધારીત પુછાતા વિદ્યાર્થીઓને સરળ લાગ્યું હતું.

૮૩૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

ધો.૧૦માં આજે લેવાયેલા વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપરમાં ૮૩૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાનું કંટ્રોલમાંથી જાણવા મળ્યું છે. રાજકોટ જિલ્લામાં આજે લેવાયેલી ધો.૧૦ની વિજ્ઞાન પરીક્ષામાં કુલ ૫૧,૬૧૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૫૦,૭૮૫ વિદ્યાર્થીઓએ પરીક્ષાખંડમાં ઉપસ્થિત રહીને પરીક્ષા આપી હતી. જયારે ૮૩૨ જેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજના પેપરમાં ગેરહાજર રહ્યા હતા.