Abtak Media Google News

ગિરનારની ગોદમાં પાર્શ્વનાથ પ્રભુના દીક્ષા કલ્યાણક નિમિતે ત્રિ દિવસીય મહોત્સવ રંગેચંગે ઉજવાયો: પૂ.પદ્મદર્શન વિજયજી મ.ની નિશ્રામાં ભાવુકોએ લીધો ભકિતલાભ

સોરઠની આન- બાન  અને શાન સમાન ગરવા ગઢ ગિરનાર તીર્થની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પુઉ હેમવલ્લભ સુરિજી મહારાજ અને પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મ.ની પાવન નિશ્રામાં કલિકાળ કલ્પતરુ સમાન પાર્શ્વનાથ પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકની ભારે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી થઇ હતી. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભાવુકો ઉમટી પડયા હતા. ત્રિદિવસીય મહોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો.

Advertisement

પૂ. પંન્યાસપ્રવર પહ્મદર્શન વિજયજી મહારાજે પ્રભુના જન્મોત્સવ પ્રસંગે જણાવ્યું હતું કે પત્થરને પાસર અને કથીરને કંચન કરવાની તાકાત પાર્શ્વનાથ પ્રભુની છે. જૈનોના ત્રેવીશમા તીર્થકર પાર્શ્વનાથ પ્રભુ પુણ્યસમ્રાટ તરીકે પ્રસિઘ્ધ છે. સંકટ વિમોચક તરીકે સમગ્ર વિશ્ર્વમાં જૈનો જયાં વસે છે ત્યાં પ્રત્યેક મંદિરમાં ભલે મૂળ નાયક તરીકે રાશિ પ્રમાણે કોઇપણ ભગવાન હોઇ શકે પણ મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુ તો હોય જ છે. કાશી દેશની વાણારસી નગરીમાં માતા વામોદેવીની કુક્ષિએ પાર્શ્વ પ્રભુનો જન્મ થયો હતો.

આપણી ભીતરમાં પરમાત્માનું અવતરણ થવું જોઇએ. પ્રભુને હોઠ ઉપર જ નહિ પણ હૈયામાં રાખવા જોઇએ.જો પ્રભુ આપણી ભીતરમાં બેઠા હશે તો જીવનમાં કષાયોના કોબ્રા અને વિષયોના વાવાઝોડા ધુસપેઠ નહીં કરી શકે. ભકતના હ્રદયમાં ભગવાન બેઠા હશે તો ગુણોનું સૌન્દર્ય મહેંકી ઉઠશે. પ્રભુની પાવન પધરામણી થતાં આત્મશુઘ્ધિનો શ્રેષ્ઠ કક્ષાનો વૈભવ પ્રાપ્ત થાય છે. અત્યારે મંદિરોના નિર્માણ થતા જાય છે પણ પ્રભુ પ્રત્યેનું આકર્ષણ મંદિર પુરતુ સીમીત થાય તે બરાબર નથી.

વ્યવહારમાં વેપારમાં, આચાર વિચાર અને ઉચ્ચાર ક્ષેત્રે પણ પરમાત્મા નું સ્મરણ રહેલું જોઇએ. પ્રભુનું વિસ્મરણ થાય ત્યારે જ પદ, પૈસા, પદાર્થ અને પ્રતિષ્ઠાનું ભૂત વળગે છે. પ્રભુ ભકતો કયારે પણ ખાન-પાન અને મોજ મસ્તીને પ્રાધાન્ય આપતા નથી. જુનાગઢમાં ભકતસમ્રાટ નરસિંહ મહેતા અને મેવાડની મહારાણી મીરાભાઇ શ્રીકૃષ્ણ ભગવાની પાછળ પાગલ હતા. મહારાષ્ટ્રના સંત તુકારામ વિઠ્ઠલ પ્રભુની પાછળ તન્મય અને તલ્લીન હતા.

જેની આંખમાં પ્રભુ વિયોગના આંસુ ચાલ્યા જતા હોય તે સાચા અર્થમાં જોઇએ. જે દિવસે પ્રભુનું વિસ્મરણ થશે તે દિવસે તમારું ભાવ મૃત્યુ છે. જન્મ જેવો કોઇ રોગ નથી. પણ પ્રભુનો જન્મ અજન્મા બનવાની સાધના કરવા માટે મળ્યો હોય છે. પ્રભુનો જન્મ થતાં જ સર્વત્ર સુખ, શાંતિ અને સમાધિની પ્રાપ્તિ થાય છે. નરક ગતિમાં પ્રભુના જન્મ સમયે દુ:ખનો દાવા નળ શાંત થાય છે અને સુખનો સમંદર ઉછળતા માંડે છે. પ્રભુની દીક્ષા શ્રેયનું દાન અને અમંગળોને દુર કરવા  સમર્થ છે. ત્યાગ વિના વૈરાગ્ય ટકતો નથી વિરાગ વીતરાગ થવાનો માર્ગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.