Abtak Media Google News

એસ.ટી.બસોમાં મુસાફરોને ચડવા દેવામાં આવતા ન હોય નોકરી-ધંધા માટે અપડાઉન કરતા લોકોની હાલત કફોડી બની

અવાર-નવાર એસ.ટી.ના ડ્રાઈવર અને કંડકટરોને મનમાની અને અનેક વિવાદો સામે આવતા હોય છે ત્યારે દેરડી કુંભાજીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે.  ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે એસ.ટી.બસો ઉભી તો રહે છે પરંતુ બસોમાં એક પણ મુસાફરોને ચડવા દેવામાં ન આવતા હોવાથી મુસાફરોમાં ભારે રોષની લાગણી પ્રસરી છે. ડ્રાઈવર-કંડકટરની અવળ ચંડાઈના કારણે મુસાફરો રઝળી પડયા છે. અગાઉ પણ આ બાબતની વ્યાપક ફરિયાદો મળી હતી જોકે હજુ તંત્ર દ્વારા કોઈ એકશન લેવામાં આવ્યા નથી ત્યારે મુસાફરોના પ્રશ્નોનું સમાધાન થાય તે જરૂરી બન્યું છે.

ગોંડલના દે૨ડી કુંભાજી ગામેથી ગોંડલ, શાપર, રાજકોટ સુધી નોકરી  ધંધા માટે ઘણા લોકો કાયમી અપડાઉન કરે છે. આ ઉપરાંત આ વિસ્તારના વિવિધ ગામ જેવા કે રાણસીકી, મોટા સખપર, વિંજીવડ, નાના સખપર, બાદનપુર, સનાળા, સનાળી, વાવડી, તાલાળી, પાટખીલોરી, રાવણા, ધરાળા વગેરે ગામોના લોકોને પણ દેરડીકુંભાજીથી એસ.ટી. બસ મળતી હોય તેઓ પણ દેરડી ખાતે આવે છે. પરંતુ દેરડી કુંભાજી ગામેથી એસ.ટી. બસોમાં મુસાફરો ને ચડવા દેવાતા નથી પરિણામે આ તમામ ગામોના લોકો ધંધા – રોજગાર, દવાખાના જેવા કામ બાબતે જવા – આવવામાં હાલાકી અનુભવે છે. આ અંગે રજૂઆત બાદ પણ ઘટતું ન થતા તાકીદે દેરડી કુંભાજી ગામે એસ.ટી. દ્વારા મુસાફરોના સ્ક્રીનીંગ વ્યવસ્થા કરવા તે માટે કર્મચારી નિમણૂક કરી મુસાફરોને એસ.ટી. બસોનો લાભ આપવા માંગ કરાઇ છે ઘટતું નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી અપાઇ છે. તાલુકાના દેરડી કુંભાજી ગામે એસ.ટી.બસો તો ઉભી રહે છે પરંતુ બસોમાં એક પણ મુસાફરોને ચડવા દેવામાં આવતા ન હોય નોકરી ધંધા માટે અપડાઉન કરતા લોકોની હાલત કફોડી બની છે.

યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરાશે: યોગેશ પટેલ

Screenshot 2020 09 03 10 21 59 337 Com.whatsapp

રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાબતે ગોંડલનાં ડેપો અને દેરડી કુંભાજી ડેપોમાં યોગ્ય તપાસ કરવામાં આવશે અને જે કોઈપણ ડ્રાઈવર કંડકટર કે અન્ય કોઈની આવી હરકતો સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ એક વાત એ પણ સામે આવી રહી છે દેરડી કુંભાજી ડેપોમાં થર્મલ ગનનો અભાવ હોય આગામી બે દિવસમાં થર્મલ ગન સાથે તમામ મુસાફરોનું ચેકિંગ કરી તમામને પ્રવેશ આપવામાં આવે તેવી વ્યવસ્થા હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.