Abtak Media Google News

કેશોદના જાદવ પરિવારના યુવાને મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને કરી લેખિત રજૂઆત

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડ માં ચાલતી લાલિયાવાડી અને તેના તબીબો, કર્મીઓ સામે એક વધુ આક્ષેપ સામે આવ્યો છે અને કોરોના વોર્ડમાં ઓકિસજનના કારણે એક પિતાના મોત અંગે તેના પુત્ર એ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓને પત્ર પાઠવી, તમામ તપાસ સમિતિ રચવાની માંગ કરી છે.

કેશોદના જગદીશ રામભાઇ જાદવ એ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને જિલ્લા કલેકટર તથા મુખ્યમંત્રી સહિતનાને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આવેલ કોરોના વોર્ડમાં લાલિયાવાડી ચાલી રહી છે, અને તબીબો તથા સ્ટાફ દ્વારા દર્દીઓની સારવારમાં બેદરકારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત હોસ્પિટલના કોરોના વોર્ડમાં વારંવાર ઓક્સિજનના બાટલા ખલાસ થઈ જતા હોવાથી અથવા તો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં દર્દીઓને ટેકનિકલ ખામીના કારણે ન મળતા દર્દીઓના મોત થઈ રહ્યા હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે.આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે તેમના પિતાને  અન્ય બીમારીના કારણે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બે દિવસ બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને તેમના પિતાની તબિયત સારી હોવાથી તેઓ વારંવાર ફોન ઉપર વાતચીત પણ કરી શકતા હતા, અને  રાત્રિના ૩:૪૪ કલાકે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે, તમે આવી જાવ, તમારા પિતા રહ્યા નથી અને તેઓ મૃત્યુ પામ્યા છે.

જો કે મારા પિતાના મૃત્યુ અંગે મેં વોર્ડના અન્ય દર્દીઓ તથા તેમના સગા પાસેથી હકીકત જાણી હતી કે, તા. ૬ ઓગષ્ટ ની રાત્રિના મારા પિતાને ઓકિસજન ઓછું મળતું હશે, અને તેઓ વારંવાર હાથ ઊંચા કરી ડોક્ટરો તથા ફરજ પરના કર્મીઓને જણાવી રહ્યા હતા, પરંતુ પૂરતું ધ્યાન આપવામાં ન આવતા તેઓનું અવસાન થયું છે.

ગંભીર આક્ષેપ સાથેત્રણ પાનાનો પત્ર પાઠવી જણાવ્યું છે કે, જૂનાગઢના કોરોના વોર્ડમાં તંત્ર દ્વારા બેદરકારી ચાલી રહી છે, અને દર્દીઓ રામભરોસે રહે છે, ત્યારે આ અંગે એક તપાસ સમિતિની બનાવી જોઈએ અને દર્દીઓને રામભરોસે છોડવા ન જોઈએ તેવી માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.