Abtak Media Google News

પ્રભારી  મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કોરોનાની ત્રીજી લહેર અંગે યોજાઈ સમીક્ષા બેઠક

ત્રીજી લહેરને પહોંચી વળવા જામનગર જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ

હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ સાથે જ સંક્રમણના સ્તરમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધતા સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જામનગરની પ્રવર્તમાન સ્થિતિ અને આયોજન વિશે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

બેઠકમાં પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય તેમજ જિલ્લા કલેક્ટર સૌરભ પારધી દ્વારા પણ સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અને પૂર્વ તૈયારી અંગે ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જામનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, શહેર અને ગ્રામ્ય કક્ષાએ કેસોની વિસ્તારવાઇઝ સ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ, વેક્સીનેશન, ડૉક્ટર, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, લોજીસ્ટીક, મેનપાવર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, હોમ આઇસોલેશન, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૮, દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતા, કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે કોલ સેંટર સહિત વિવિધ આનુસાંગીક મુદ્દાઓ જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી..

બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હતી. જોકે બીજી લહેરના અનુભવોમાંથી આગોતરી તૈયારીથી સજ્જ થઇ ત્રીજી લહેરમાં કોઇ તૃટીઓ ન રહે તે માટે આયોજન અંગે બેઠક યોજવામાં આવી હતી. ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે તેની કામગીરીનો વિસ્તાર કરવા અંગે પણ સુચનાઓ આપવામાં આવી છે.

આગામી સમયમાં તાલુકા દીઠ એક ક્લાસ વન અધિકારીને નોડલ તરીકે નિમણૂંક કરી ગ્રામ્ય સ્તરે પણ વધુ મજબૂત આરોગ્ય સેવાઓ અને કોરોના સંક્રમણની અટકાયત કામગીરી કરવામાં આવનાર છે.

મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જામનગર જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા અને માસ્ક, સોશિયલ ડિસ્ટંસ અને સેનિટાઇઝેશનનો ખાસ ખ્યાલ રાખવા અનુરોધ કર્યો હતો સાથે જ મંત્રીએ લોકોને કોરોનાના લક્ષણો જણાતા તત્કાલ ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ કમિશનર વિજય ખરાડી, અધિક નિવાસી કલેકટર મિતેશ પંડ્યા, ડીઆરડીએ નિયામક શ્રી રાયજાદા, પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડિન નંદિની દેસાઇ, જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક દિપક તિવારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, એમઓએચ જે.એમ.સી સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.