Abtak Media Google News

દેશમાં મોંઘવારીએ અજગરી ભરડો લીધો છે. સતત વધી રહેલા ભાવ વધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખાદ્યતેલના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. સતત વધી રહેલા ભાવોને નિયંત્રણમાં રાખવા અને ગ્રાહકોને થોડી ઘણી રાહત આપવા કેન્દ્રએ ગઈકાલથી આયાતકારો અને નિકાસકારોને છોડી ખાદ્યતેલ અને તેલીબીયાના વેપારીઓ પર સ્ટોક મર્યાદા લાદી દીધી છે. એનસીડીઈએક્સ પર સરસવના તેલમાં વાયદાઓ પણ સ્થગીત કરી દેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી દિવાળી સુધીમાં તેલના ભાવમાં લોકોને રાહત મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Advertisement

છેલ્લા ઘણા દિવસોથી ખાદ્યતેલની કિંમતમાં એકધારો વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક રીટેલ માર્કેટમાં ખાદ્યતેલના ભાવમાં વૈશ્ર્વિક પરિબળો અને સ્થાનિક પુરવઠાની તંગીના કારણે તેલના ભાવમાં 46 ટકાથી પણ વધુનો ઉછાળો નોંધાયો છે. તમામ તેલના ભાવ હાલ રેકોર્ડબ્રેક સપાટી પર પહોંચી ગયા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. તેલીયા રાજાઓને વધુ બેફામ બનતા અટકાવવા માટે ખાદ્યતેલ અને તેલીબીયાના વેપારીઓ પર સ્ટોક મર્યાદા લાદી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સ્થાનિક બજારોમાં આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. જેનાથી ગ્રાહકોને પણ ફાયદો થશે.

ખાદ્યતેલમાં ‘પામ’નું કેટલું મિશ્રણ કરવામાં આવે છે તે મોટા અક્ષરે લખવું પડશે !

તમામ રાજ્યોને જારી કરાયેલા આદેશ મુજબ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસીત પ્રદેશોએ ઉપલબ્ધ સ્ટોક અને પેટર્નને ધ્યાનમાં લીધા બાદ ખાદ્યતેલ અને તેલીબીયા પર લાદવામાં આવેલી સ્ટોક મર્યાદા નક્કી કરવાની રહેશે. અમુક આયાતકારો અને નિકાસકારોને સ્ટોક મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. રિફાઈનર, મીલર, એકસ્ટ્રેકર, જથ્થાબંધ વેપારીઓએ સ્ટોક મર્યાદાનું પાલન કરવાનું રહેશે. જો તે સ્ટોક મર્યાદાનું પાલન નહીં કરે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

તહેવારોના દિવસોમાં જે રીતે ભાવ વધારાનો રાક્ષસ બેફામ બન્યો છે તે જોતા હવે કેન્દ્ર સરકાર મોંઘવારીને નાથવા માટે કડક પગલા ઉઠાવવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.