Abtak Media Google News

ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા અને ભાવનગર રોડથી અમદાવાદ રોડને જોડતો રોડ ખુલ્લો મૂકાશે

રાજકોટ શહેર પર ટ્રાફીકનું ભારણ ઘટાડવા માટે રિંગ રોડ-ર ના ફેઝ-3 અને ફેઝ-4 નું આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની પ્રગતિશીલ સરકાર રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુવિધા માટે તત્પરતાથી કામ કરી રહી છે. વિકાસની અવિરત યાત્રા જારી રાખતાં રાજકોટની ફરતે રિંગરોડ-2 આકાર પામી રહ્યો છે. જેના ફેઝ-3 અને ફેઝ-4 તૈયાર થઈ ગયા છે અને નવા વર્ષમાં રિંગરોડના આ બંને તબક્કાની રાજકોટ જિલ્લાને ભેટ મળશે. જાન્યુઆરી 2023માં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) દ્વારા આ બંને રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફેઝ-3માં ગોંડલ રોડથી સીધા ભાવનગર રોડને જોડતો 10.50 કિલોમીટરનો રોડ રૂ.35.93 કરોડના ખર્ચે બનાવાયો છે. કુલ પાંચ હાઈલેવલ બ્રિજ સાથે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Rajkot 2

જ્યારે ફેઝ-4માં ભાવનગરથી અમદાવાદ રોડને જોડતો 10.30 કિલોમીટરનો રોડ રૂ. 31.31 કરોડના ખર્ચે બન્યો છે. બે હાઇલેવલ બ્રિજ સાથે આ રોડની કામગીરી પૂર્ણ થયેલી છે.

રૂડાના નાયબ કાર્યપાલક ઈજનેર  મુકેશ સોઢાએ જણાવ્યું હતું કે, રૂડાના સી.ઈ.ઓ.  રાજેશકુમાર ઠુંમરના નિરીક્ષણમાં આ બંને રોડની કામગીરી પૂર્ણ થયેલી છે અને સંભવત: જાન્યુઆરી મહિનામાં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બંને રોડની સંયુક્ત લંબાઈ આશરે 21 કિલોમીટર જેટલી થાય છે. આ રોડ શરૂ થવાની ગોંડલ રોડથી સીધા માલિયાસણ ગામ પાસે અમદાવાદ રોડ પર નીકળી શકાશે. જે વાહનચાલકો ગોંડલ તરફથી આવે છે અને અમદાવાદ કે ભાવનગર જવા માગે છે, તેમને સિટીમાંથી પસાર નહીં થવું પડે. તેમના માટે 10 થી 15 કિલોમીટર જેટલું અંતર ઘટી જશે. આથી ગોંડલ ચોકડી તેમજ શહેરમાં ટ્રાફિક ઘટશે તેમજ બાયસપાસથી જનારા વાહનચાલકોને પણ ઓછા ટ્રાફિકનો સામનો કરવો પડશે. અમદાવાદ કે પોરબંદર તરફથી આવતા અને ગોંડલ તરફ જવા માગતા વાહનચાલકોને પણ ફાયદો થશે.

આમ આ બંને રોડ શરૂ થવાથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે  અને બાયપાસથી પસાર થનારા વાહનચાલકોને પણ ટ્રાફિક નહીં નડે તેમજ અંતર ઘટવાથી પેટ્રોલની બચત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.