Abtak Media Google News

પોલીસની આંખમાં ધૂળ નાખી જમીનમાં માટલા દાટી છુપાવાતો દારૂનો અને યંત્ર જુગારના નામચીન ધંધાર્થીઓમાં ફફડાટ

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા પી.આઇ. એ.એલ.પટેલે ઉપલેટામાં કહેવાતા પત્રકારનો જુગાર અડ્ડા પર દરોડો પાડયો

ઉપલેટામાં કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થાની સાથે દારૂ અને જુગાર જેવી બદીના કારણે વેપારીઓ સતત ભય સાથે પોતાનો બિઝનેશ કરે છે. બે માસ પહેલાં જ ઉપલેટા ખાતે ચાર સંભાળી પી.આઇ. એ.એલ.પટેલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી નિયંત્રણ કરી દારૂ અને જુગારના ધંધાર્થીઓ પર ધોસ બોલાવતા લીસ્ટેડ બુટલેગરો અને કોર્ટનો સ્ટે હોવાનું પોલીસને સાચુ ખોટુ સમજાવી યંત્ર જુગાર ચલાવતા શખ્સોમાં ફફડાટ મચી ગયો છે.

ઉપલેટામાં પોલીસ દ્વારા દારૂ-જુગારની કામગીરી કરવામાં આવે ત્યારે પોલીસ પર રાજકીય અને પત્રકારોની ભલામણથી નામચીન શખ્સોને સરળતાથી છુટી જવાનો વર્ણ નોંધાયેલો નિયમ બની ગયો હોવાથી ઉપલેટામાં દારૂ અને જુગારના ધંધાર્થીઓ પોતાનો બેરોકટોક કારોબાર ચલાવતા હતા.

કચ્છ આરઆર સેલમાં સારી કામગીરી કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને લોકોમાં સારી લોકચાહના ધરાવતા પી.આઇ. એ.એલ.પટેલની રાજકોટ જિલ્લામાં બદલી થતા એસ.પી. અંતરિપ સૂદે તેઓની ઉપલેટા ખાતે નિમણુંક આપી હતી.

પી.આઇ. પટેલે ઉપલેટાનો અભ્યાસ કરી દારૂ-જુગારના ધંધાર્થીઓને સબક શિખવવા કાર્યવાહીનો આરંભ કરી પ્રથમ દરોડો નામચીન જીજ્ઞેશને ત્યાં કર્યો હતો. જીજ્ઞેશનો ભાઇ એક બોટલ દારૂ સાથે ઝડપાયા બાદ તેની આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બનેલા શખ્સે જીજ્ઞેશ દારૂનો જથ્થો જમીનમાં માટલુ દાટી તેમાં છુપાવતો હોવાની કબૂલાત આપી દીધી વર્ષોથી પોલીસની આંખમાં ધૂળ નાખી વિદેશી દારૂનો ધંધો કરતા જીજ્ઞેશના ઘરે દરોડો પાડયો પણ તેના મકાનમાંથી કંઇ મળ્યુ નહી પણ લોખંડનો સળીયો લઇ તેના મકાન પાસે જે સ્થળે કડક જમીન ન હોય ત્યાં ખુચાડવાનું શરૂ કરતા એક પછી એક એમ છ સ્થળે દાટેલા માટલા મળી આવ્યા હતા. માટલામાંથી એક સાથે ૧૬૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો હતો.

બુટલેગર જીજ્ઞેશનો દારૂ પકડાયાની વાત સમગ્ર ઉપલેટામાં પસરી જતા કેટલાય દારૂના ધંધાર્થીઓ ધંધો બંધ કરી દીધો હતો. પણ યંત્ર પર જુગાર બેરોકટોક ચાલતો હોવાનું પી.આઇ. પટેલના ધ્યાને આવ્યું હતું. યંત્ર જુગારના સુત્રધાર સલિમ, દિલાવર, રજાક ઉર્ફે બાવલો હોવાનું પણ તેને રાજકીય અને કેટલાક કહેવાતા પત્રકારોનું પીઠ બળ હોવાથી યંત્ર જુગારનો ધંધો ચાલુ રાખ્યો હતો.

યંત્ર જુગાર એટલે એક પ્રકારનો વરલીના જુગાર જેવો જુગાર એકના નવ ચુકવવાના અને હિન્દુ ધર્મના જુદા જુદા ચિત્રો ઓમ, ત્રિશુલ, રૂદ્રાક્ષ અને લક્ષ્મી જેવા ચિત્રો પર ભાવ લગાવવાનો હોય છે તેનો દર પંદર મિનિટે ઓનલાઇન ડ્રો થતો હોવાથી કેટલાય શ્રમજીવીઓ પોતાના પરસેવાની કમાણી ઓનલાઇન જુગાર પાછળ બરબાદ કરી નાખતા હોવાથી ઓનલાઇન જુગાર બંધ કરાવવા માહિતી એકઠી કરી હતી.

યંત્ર જુગારના સંચાલકોને રાજકીય અને પત્રકારોનું પીઠ બળ હોવાનું તેમજ તેઓએ હાઇકોર્ટમાંથી સ્ટે લાવ્યા હોવાનું પોલીસ સ્ટાફે પી.આઇ. એ.એલ.પટેલને જણાવી દરોડો પાડશું તો વિના કારણે કોર્ટ કાર્યવાહીનો સામનો કરવો પડશે તેવું સમજાવ્યું હતું.

પી.આઇ. પટેલે ગરીબ અને મજુરો જીતવાની આશામાં પરસેવાની કમાણી ગુમાવી રહ્યા હોવાથી યંત્ર જુગારનો દરોડો પાડવાનો નિર્ણય કરી સૌ પ્રથમ કોર્ટ દ્વારા શું સ્ટે આપવામાં આવ્યો છે તેનો ઉંડો અભ્યાસ કર્યો હતો. યંત્ર જુગારના સંચાલકોએ કોર્ટમાં અરજી કરી સ્ટેની માગણી કરી હતી અને પણ તેઓને કોઇ જાતનો સ્ટે આપવામાં આવ્યો ન હોવાનું સ્પષ્ટ થતાં રાજકોટના વિવિધ અખબારો સાથે સિધી કે આડકતરી રીતે જોવાયેલા કહેવાતા પત્રકારની ઓફિસમાં દરોડો પાડી પત્રકારના ભાઇને યંત્ર જુગારના ગુનામાં ધરપકડ કરતા સમગ્ર ઉપલેટામાં જુગારનો દરોડો ટોક ઓફ ટાઉન બની ગયો હતો.

પત્રકારના મિત્ર એવા એક એડવોકેટે સ્ટે હોવા છતાં દરોડો પાડયો છે એટલે પી.આઇ.ને મુશ્કેલી થશે તેવું અન્ય પોલીસ સ્ટાફ સાથે વાત કરી પી.આઇ. પટેલ પર દબાણ લાવવા પ્રયાસ થયો હતો બીજી તરફ પત્રકારે પણ રાજકીય ભલામણનો મારો ચલાવ્યો હતો. પણ જુગાર અંગેનો ગુનો નોંધાઇ ગયો હોવાનું અને યંત્ર જુગારના ધંધામાં સંડોવાયેલા શખ્સોને ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવશે તેવું પી.આઇ. પટેલે સ્પષ્ટ કરી કોર્ટનો મનાઇ હુકમ હોય તો પોલીસમાં હાજર ન થવા કહી દીધું હતું.

કોર્ટનો ખરેખર કોઇ સ્ટે ન હોવાથી યંત્ર જુગારમાં સંડોવાયેલા શખ્સો ભલામણો સાથે હાજર થવાનો તખ્તો ગોઠવવા લાગ્યા હતા.

ટૂંક સમયમાં જ ઉપલેટા પંથકમાં દારૂ-જુગારના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો અને લીસ્ટેટ શખ્સોએ પોતાના ધંધા સંકેલી લીધા હોવાથી લોકોને પી.આઇ. પટેલ પાસે અપેક્ષા વધી હતી અને ટ્રાફિક સમસ્યા અંગે ધ્યાન દોરવામાં આવતા ટ્રાફિક નિયમન અંગે પણ કાર્યવાહી શરૂ કરી હતી પી.આઇ. પટેલે લોકોને અપેક્ષા હોય તેમ પોલીસને પણ લોકો પાસે કાયદાનું પાલન કરવા અપેક્ષા રાખી પોલીસના કામમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.