Abtak Media Google News

દિવાળી પહેલા શહેરીજનોને ખખડધજ રાજમાર્ગોમાંથી મળશે મુક્તિ મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમીત અરોરાની જાહેરાત

શહેરમાં ચોમાસાની સીઝનમાં પડેલા અતિભારે વરસાદના કારણે રાજમાર્ગોને વ્યાપક પ્રમાણમાં નુકશાની થવા પામી છે. સતત વરસાદ ચાલુ રહેવાના કારણે ડામર પેચવર્કના કામો થઈ શક્યા નહોતા. હવે મેઘરાજાએ વિરામ લીધી છે ત્યારે આગામી શનિવારથી શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં પેચવર્કનું કામ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવશે. નવરાત્રી પૂર્ણ થતાંની સાથે જ ફરી રાજમાર્ગોને ડામરથી મઢી દેવામાં આવશે તેવી જાહેરાત આજે મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમીત અરોરા દ્વારા કરવામાં આવી છે. તેઓએ એ વાત પણ જણાવી હતી કે, મુખ્ય રસ્તાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યારબાદ શેરી-ગલીઓમાં પેચવર્ક કરાશે.

આજે સવારે મ્યુનિ.કમિશનર અમીત અરોરાએ ખીરસરા ખાતે આવેલા પવન ક્ધટ્રકશન કંપનીના પેવર કામ માટેના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેઓએ પેવર પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવતા મટીરીયલ અંગે ઉંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરી હતી. સાથે સાથે ડામર પેચવર્ક માટે મહાપાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત બાદ મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમીત અરોરાએ એવી સત્તાવાર જાહેરાત કરી હતી કે, હવે વરસાદ બંધ થઈ ગયો છે અને ભારે વરસાદની કોઈ સંભાવના નથી ત્યારે શનિવારથી ત્રણેય ઝોનમાં તબક્કાવાર દરેક વોર્ડમાં ડામર પેચવર્કના કામ શરૂ કરી દેવામાં આવશે. નવરાત્રીની સીઝન પૂર્ણ થયા બાદ એકશન પ્લાનના કામો પણ શરૂ કરી દેવાશે. દિવાળી પહેલા શહેરીજનોને મહદઅંશે બિસ્માર રાજમાર્ગોમાંથી મુક્તિ મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.