મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજયંતી છે. આજે દેશમાં આ નીમિતે ઘણાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તે ઉપરાંત વિપક્ષના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય વડાપ્રધાને વિજય ઘાટ જઈને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુ શાસ્ત્રીની જયંતી પર તેમને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

મહાત્મા ગાંધીની જન્મજયંતીના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર પણ આપવામાં આવશે. ત્યારપછી સાંજે ગાંધી સ્મૃતિ પર પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં એક હિન્દુ-ગુજરાતી વૈશ્નવ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી રાખ્યું હતું.

તેમના જન્મના પાંચ વર્ષ પછી તેમનો પરિવાર પોરબંદરથી રાજકોટ આવી ગયો હતો. જ્યારે ગાંધી 9 વર્ષના થયા ત્યારે તેમણે ઘરની નજીકની એક સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો અને જ્યારે તેઓ 11 વર્ષના થયા ત્યારે તેમણે રાજકોટની હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો.