Abtak Media Google News

પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડમાં આરોપી હીરા વેપારી નીરવ મોદી અને ગાતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોકસીના પાસપોર્ટ 4 અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સીબીઆઈએ શુક્રવારે મેહુલ ચોકસીના 20 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. ગુરુવારે પણ EDએ નીરવ મોદી અને ગાતાંજલિ ગ્રૂપના 17 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ નીરવના ઠેકાણાઓ પરથી 5,100 કરોડ રૂપિયાન હીરા-ઝવેરાત અને સોનું જપ્ત કર્યું, 6 પોપર્ટીઓને પણ સીલ કરી હતી. તેના વેલ્યુએશનનું કામ શરૂ થઈ ગયું છે. બીજી તરફ, શુક્રવારે નીરવ મોદી, તેમની પત્ની અમી, ભાઈ નિશાલ અને મેહુલ ચોકસી વિરુદ્ધ ઈન્ટરપોલે નોટિસ જાહેર કરી. મહત્વપૂર્ણ છે કે PNBએ બેન્કિંગ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટા સ્કેમનો ખુલાસો કર્યો હતો. આ ફ્રોડ 177.17 કરોડ ડોલર એટલે કે 11,356 કરોડ રૂપિયાનું છે. બેન્કની આંતરિક તપાસ દરમિયાન વધુ 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વિદેશ મંત્રાલયએ નીરવ મોદી અને મેહુલ ચોકસીનો પાસપોર્ટ 4 સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દીધો છે. તે સાથે જ નોટિસ   જાહેર કરીને તેમની પાસેથી એક સપ્તાહમાં જવાબ માગ્યો છે.
નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, તમારો પાસપોર્ટ રદ કરવામાં આવે કે પરત લઈ લેવામાં આવે? જો નક્કી કરેલા સમયમાં જવાબ નહીં આપો તો મંત્રાલય આગળની કાર્યવાહી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.