Abtak Media Google News

દુર્ગાશક્તિ ભરોસા કેન્દ્ર અને સંભાળ યોજનાનો પ્રારંભ: સમાજમાં યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રની મહિલાઓનું કરાયું સન્માન

મહિલા પોલીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો: ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત

શહેર પોલીસનો નવતર પ્રયોગ  મહિલા સુરક્ષા માટે દુર્ગાશક્તિ ભરોસા કેન્દ્ર અને વૃદ્ધો માટે સંભાળ યોજના નો અંજલીબેન રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા મહિલાઓ અને એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોની સુરક્ષા માટે નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં ખૂબ ભીડભાડવાળી બજારો, મોલ સહિતનાં જુદા-જુદા 16 સ્થળે મહિલાઓની સુરક્ષા માટે દુર્ગાશક્તિ ભરોસા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના દ્વારા દુર્ગાશક્તિ મહિલા પોલીસ ટીમો સતત ખડેપગે રહી મહિલા સાથે કોઈ અઘટિત બનાવ ન બને તેનું ધ્યાન રાખશે. અને કોઈપણ મુશ્કેલીમાં મહિલાની મદદ કરવા તત્પર રહેશે. ઉપરાંત ઘરમાં એકલા રહેતા વૃદ્ધો માટે પણ સંભાળ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દુર્ગાશક્તિની ટીમ જે-તે વૃદ્ધ સાથે તેની દીકરીની જેમ રહીને સુરક્ષા પુરી પાડશે. પોલીસ હેડ ક્વાર્ટરમાં આજે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીનાં પત્ની અંજલીબેને આ બંને યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે.

Dsc 3200

આ અંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યા મુજબ, શનિ-રવિ તેમજ અન્ય દિવસોમાં જ્યાં જ્યાં પણ મોટી બજારો ભરાય છે, ત્યાં મહિલાઓ ઘણી જ મોટી સંખ્યામાં આવતી હોય છે. આવા સ્થળોએ પણ મહિલાઓની સલામતિ-સુરક્ષા જળવાય રહે તે માટે આવા સ્થળોએ દુર્ગા શક્તિની ટીમો દ્વારા ભરોસા કેન્દ્ર શરૂ કરાયા છે. જેમાં દુર્ગા શક્તિની ટીમો, હેડક્વાર્ટરની મહિલા પોલીસ કર્મચારીઓ અને ટીઆરબીની મહિલા પોલીસ કર્મચારીઓ હાજર રહી મહિલાઓને સુરક્ષા માટે સમજ આપી કાઉન્સેલિંગ કરવાની સાથે જરૂરી તાલીમ પણ આપશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં હાલ 300 જેટલા સિનિયર સિટીઝન મહિલા એવા છે કે, જેઓ કોઈને કોઈ કારણોસર એકલા રહે છે. દુર્ગાશક્તિની ટીમોએ તેમને શોધી લીધા છે. હવે પછી આ એકલી રહેતી વૃદ્ધ મહિલાઓની દેખરેખનું કામ દુર્ગાશક્તિની ટીમો દ્વારા થશે. આ યોજનાને સંભાળ યોજના એવું નામ અપાયું છે. જેના દ્વારા મહિલા પોલીસ એકલા રહેતા વૃદ્ધાનાં સ્વજન બનીને તેમની સંભાળ રાખવા સાથે સુરક્ષા પુરી પાડશે. સાથે પોલીસ મહિલાઓને ખૂબ ઉપયોગી એવી સુરક્ષીતા એપ વધુ ડાઉનલોડ થાય તે માટે પ્રયત્નશીલ હોવાનું પણ તેમણે જણાવ્યું છે  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજકોટ પોલીસ દ્વારા ’નારી તું નારાયણી’ ઉક્તિને ચરિતાર્થ કરતાં અનેકવિધ રજૂઆતોની વણઝાર કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મીઓ અને ટીમ દુર્ગા શક્તિ દ્વારા અનેક કરતબ કરીને નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

Dsc 3200

આ તકે રાજકોટ શહેર ખાતેની નારી શક્તિઓની તેમના શ્રેષ્ઠ કાર્યો બદલ બિરદાવામાં આવ્યા હતા. જે નારીઓ એક યા બીજી રીતે સમાજને ઉપયોગી થઈ હોય તેવી મહિલાઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી.

Dsc 3125

આ તકે મહિલા ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી, નીતિન ભારદ્વાજ, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહિલા તબીબ બબીતા હપાણી, કમિશ્નર મનોજ અગ્રવાલ, રાજકોટ રેન્જના આઈ.જી.સંદીપસિંહ, જો.પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ, ડીસીપી મનહરસિંહ, પ્રવિણકુમાર સિન્હા અને રાજકોટ ગ્રામ્યના વડા બલરામ મીણા સહિતના ઓફિસર તેમજ વિવિધ ક્ષેત્રની મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.