Abtak Media Google News

ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયામાં મહિલાઓના બોગસ આઈડી બનાવી બાદમાં શિકારને ફસાવી બ્લેકમેઇલિંગ કરવાના ગોરખધંધા કરવા લંડન રિટર્ન સાધુ રૂપી શૈતાનને ભારે પડ્યા છે અને હાલ આ સાધુ મોરબી પોલીસની ગિરફતમાં આવી ગયો છે.

Advertisement

સાયબરક્રાઇમ હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હેઠળ આવેલી એક અરજીને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોરે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતાં ચોકવનારી હકીકત સામે આવી હતી અને ધોરણ ૧૦ સુધી ભારતમાં અભ્યાસ કરી બાદમાં ૧૨ વર્ષ સુધી લંડનમાં રહી એમબીએ સુધીનો અભ્યાસ કરનાર મૂળ વિસાવદરના ગૌતમ ઉર્ફે ગૌતમનાથ જગદીશચંદ્ર ગોંડલીયા  રહે.હાલ કાલેશ્વર મંદિર કલાણા, તા.ધોરાજી તથા કિંગ્સવિલા, ન્યુ જીઈબી ઓફીસ સામે વેશું વીઆઇપી રોડ, વેશું સુરતવાળો આ ગોરખધંધામાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું.

વધુમાં પોલીસે આ મામલે કરેલી છાનભીનમાં સાધુ રૂપી ગૌતમનાથના ગોરખધંધા સામે આવ્યા હતા અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ સાઈટમાં મહિલાઓના ફેક આઈડી બનાવી બાદમાં સંબંધો કેળવી લલચાવી ફોસલાવી બિભિત્સ ફોટાઓ મેળવી મહિલાઓ અથવા પુરુષોને બ્લેકમેઇલ કરતો હોવાનું બહાર આવ્યું છે.ઉલ્લેખનીય છે કે લંડનમાં એમબીએનો અભ્યાસ કરનાર સાધુ ગૌતમનાથ ભારતની મોટાભાગની ભાષાઓનો જાણકાર છે અને કળકળાટ અંગ્રેજી થકી ભલભલાને અંજવી દે તેવી કુશળતા ધરાવતો હોવાનું બહાર આવ્યું છે.

હાલ તો મોરબી પોલીસે હાઇપ્રોફાઇલ સાયબરક્રાઇમ કેસમાં સાધુરૂપી શૈતાન એવા ગૌતમનાથને દબોચી લીધો છે અને વાંકાનેરના પરિવારને શાંતિ આપવી છે અને હજુ પણ આ મામલે તપાસ દરમિયાન અનેક ભેદ ખુલે તેમ હોવાનું મનાઇ રહ્યું છે.

ફેસબુક હેડ કવાટર્સ પાસેથી માહિતી મેળવી એલસીબી પોલીસ સાધુ સુધી પહોંચવામાં સફળ બની

મોરબી જિલ્લાના હાઈટેક સાયબર ક્રાઈમ કેસમાં મોરબી એલસીબી ટીમની કામગીરી સરાહનીય રહી છે, સાધુના રૂપમાં રહેલો શૈતાન લંડનમાં એમબીએ કરવાની સાથે સોફ્ટવેર ટેકનોલોજીમાં એટલો શાતીર દિમાગ છે કે તે ચાર ફેસબુક એકાઉન્ટ, ત્રણ જેટલા વોટ્સ એપ નમ્બર અને એક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. વાપરતો હતો અને તેના મોટાભાગના નંબરો યુ.એસ. ના ડિસ્પ્લે થતા હોય તપાસનીશ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી.આ મામલે જિલ્લા પોલીસ વડા રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્વારા છેક ફેસબુક હેડક્વાર્ટરનો સંપર્ક કરાયો હતો જ્યાંથી આ શાતીર દિમાગ સાધુની અસલિયત બહાર આવી હતી અને પોલિસે સાવધાની પૂર્વક આ ચતુરને ઝડપી લીધો હતો.

જો કે આ શેતાન સાધુને ઘણા મોટા માથાઓ સાથે સંબંધો હોવાનું પણ બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.