Abtak Media Google News

બોર્ડ દ્વારા 23માંથી 15 સભ્યોને વિશ્વાસ લેવામાં આવતા ન હોવાની અરજીથી ખળભળાટ

 

છેલ્લા 4 માસથી ભાયાવદર નગરીમાં વર્તમાન શાસકો સામે નગર સેવકોએ પોતાને વિશ્ર્વાસ લીધા વગર નિર્ણયો કરાતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કાલે 23 નગર સેવકોમાંથી 15 નગર સેવકોની સહી સાથે ચિફ ઓફિસરને પત્ર આપી બહુમતી વગર બિલ મંજૂર ન કરવા માંગણી કરી હતી. જો બીલ ચૂકવાશે તો તેની તમામ જવાબદારી અધિકારીની રહેશે. તેમ 15 નગર સેવકોની સહિ વાળા પત્રમાં જણાવેલ છે. નગરપાલિકા વિરોધ પક્ષના નેતા વી.સી.વેગડાએ જણાવેલ કે અમો ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા નગર સેવકો તેમજ વર્તમાન બોર્ડ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા નગર સેવકો મળી કુલ 23માંથી 15 નગરસેવકોને નગર પાલિકાના વર્તમાન સત્તાધીશો દ્વારા કોઇપણ જાતના વિશ્ર્વાસમાં લીધા વગર મનઘડ નિર્ણયો લઇ પદાધિકારીઓ વહીવટ ચલાવી રહ્યા છે. તેની અમે અનેક વખત ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરેલ પણ કોઇ નિર્ણય આવેલ નહિ. તાજેતરમાં જનરલ બોર્ડમાં બજેટ અંગે મિટિંગ મળેલ તેમાં પણ 23 સભ્યોમાંથી માત્ર આઠ સભ્યો હોય 15 સભ્યો ગેરહાજર રહ્યા હોવા છતાં કોરમના અભાવે બેઠક મોકૂફ રાખવાને બદલે બહુમતીથી બજેટ મંજુર કરી બહુમતી સભ્યોની ઘોર અવગણના કરવામાં આવેલ હતી.

 

આ બાબતે અમોએ ચીફ ઓફિસરને પણ મૌખીક રજૂઆતો કરેલ પણ કોઇ ઉકેલ નહિ આવતા અમોએ ગઇકાલે નાછૂટકે 15 સભ્યોની સહિ સાથે પત્ર પાઠવી નગરપાલિકા દ્વારા કોઇપણ પ્રકારના બિલ ચૂકવવા માટે બહુમતી સભ્યો હોય તો જ બીલ ચૂકવવા તેમજ થોડાક દિવસ પહેલા ફિલ્ટર પ્લાનના લોકાર્પણના કાર્યક્રમોના બિલ પણ અટકાવી દેવા લેખીતમાં રજૂઆત કરેલ છે અને જો બહુમતી સભ્યોની વગર કોઇપણ પ્રકારના બીલ ચૂકવણી કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના ચિફ ઓફિસરની રહેશે. ચિફ ઓફિસર અમારા માંગણી ઉપર યોગ્ય નહિ કરે અને જો બિલ ચૂકવણી કરશે તો શહેરની જનતા વિકાસ માટેના નાણાનો દુરઉપયોગ અટકાવવા અમારે ના છુટકે કોર્ટનો આશરો લેવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.