Abtak Media Google News

હોળી સુધીમાં દેશના 6.5 કરોડ પીએફ ધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા થઈ જાય તેવી સંભાવના

સરકાર પ્રોવિડંડ ફંડ ઉપર 8 ટકા વ્યાજ આપવાની છે. અને આ વ્યાજની રકમ પીએફ ધારકોના ખાતામાં હોળી પૂર્વે જમા થાય તેવી શક્યતા હાલ સેવાઇ રહી છે.

હોળીનો તહેવાર આવવાનો છે અને રંગોના આ તહેવાર પહેલા દેશના 6.5 કરોડ લોકોની રાહનો અંત આવી શકે છે. આ પીએફ ખાતા ધારકોના ખાતામાં સરકાર વ્યાજના નાણાં ટ્રાન્સફર કરી શકે છે.  અગાઉ, બજેટ 2023ની રજૂઆત પહેલા, લોકો અપેક્ષા રાખતા હતા કે આ રકમ તેમના ખાતામાં જમા થશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં.  જોકે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં પીએફ નિયમોમાં ફેરફારની જાહેરાત ચોક્કસપણે કરી હતી.

બજેટ દરમિયાન પીએફને લગતા નિયમોમાં ફેરફારની જાહેરાત બાદ ખાતાધારકોની અપેક્ષા ફરી વધી ગઈ છે કે ટૂંક સમયમાં નાણાંકીય વર્ષ 2022-23 માટે પીએફમાં જમા રકમ પર વ્યાજની રકમ તેમના ખાતામાં આવી શકે છે. હાલ એવી જ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હોળી પહેલા સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના સભ્યોને મોટી ભેટ આપી શકે છે.

જો કે પીએફના વ્યાજને લઈને સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.   છેલ્લા કેટલાક સમયથી ખાતાધારકોને પીએફના વ્યાજના પૈસા સમયસર નથી મળી રહ્યા.  2020-21માં, માર્ચ મહિનામાં પીએફ પર 8.5% વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો, જ્યારે વ્યાજના નાણાં ડિસેમ્બર 2021માં મળ્યા હતા.  તે જ સમયે, ગયા વર્ષે માર્ચમાં પણ, 2021-22 માટે વ્યાજ દર 8.10 ટકા નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ નવું વર્ષ 2023 શરૂ થયા પછી પણ ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ શક્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.