Abtak Media Google News

મોદી મંત્ર 2 : આતંકવાદનો ખાત્મો

અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ અને  માનવીય પડકારો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. બન્ને દિગજજો વચ્ચેની આ મિટિંગ આતંકવાદીઓ માટે ભારે પડી જશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. સાથે ડોભાલે અફઘાનિસ્તાન પર બહુપક્ષીય સુરક્ષા અંગેની બેઠકમાં ભાગ પણ લીધો હતો.

રશિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એનએસએ અજીત ડોભાલે રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.  ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણની દિશામાં કામ કરવાનું ચાલુ રાખવા પર પણ સહમતિ સધાઈ હતી.

બુધવારે અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદ/એનએસએના સચિવોની પાંચમી બેઠકમાં બોલતા, એનએસએ ડોભાલે કહ્યું હતું કે કાબુલમાં એક સમાવિષ્ટ અને પ્રતિનિધિત્વની વ્યવસ્થા અફઘાન સમાજના વ્યાપક હિતમાં છે. તેમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોની સુખાકારી અને માનવતાવાદી જરૂરિયાતો ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘અફઘાનિસ્તાન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને ભારત જરૂરિયાતના સમયે અફઘાન લોકોને ક્યારેય નહીં છોડે.  ભારતે 40,000 મેટ્રિક ટન ઘઉં, 60 ટન દવાઓ, પાંચ લાખ કોવિડ રસી મોકલીને કટોકટીના સમયમાં અફઘાનિસ્તાનને મદદ કરી છે.

અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદના સચિવોની પાંચમી બહુપક્ષીય બેઠકમાં યજમાન દેશ અને ભારત ઉપરાંત ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ચીન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના સુરક્ષા અધિકારીઓએ ભાગ લીધો હતો.  તેમણે માહિતી આપી હતી કે બેઠકમાં અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ અને તેના દ્વારા સામનો કરવામાં આવેલ માનવીય પડકારો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

અફઘાનિસ્તાનની સુખાકારી ભારતની પ્રાથમિકતા

ડોભાલે કહ્યું કે અફઘાનિસ્તાન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને અફઘાનિસ્તાન સાથે ભારતનો ઐતિહાસિક અને વિશેષ સંબંધ છે.  તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોની સુખાકારી અને માનવતાવાદી જરૂરિયાતો ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને નવી દિલ્હી તેમની જરૂરિયાતના સમયે અફઘાનિસ્તાનના લોકોને ક્યારેય એકલા નહીં છોડે. ભારત અફઘાનિસ્તાનની પડખે જ છે અને જ્યારે જરૂર પડશે ત્યારે મદદ કરતું રહેશે.

અફઘાનના કુદરતી સંશોધનોનો ઉપયોગ ત્યાંના લોકોના કલ્યાણ માટે જ થવો જોઈએ

ડોભાલે કહ્યું કે આ ક્ષેત્રમાં આતંકવાદ એક મોટો ખતરો બની ગયો છે.  તેમણે કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ અને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સાથે વ્યવહાર કરવા માટે સંબંધિત દેશો અને તેમની એજન્સીઓ વચ્ચે ગુપ્તચર અને સુરક્ષા સહયોગ વધારવાની જરૂર છે.  ડોભાલે એમ પણ કહ્યું કે કોઈપણ દેશને આતંકવાદ અને કટ્ટરપંથી ફેલાવવા માટે અફઘાન જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.  તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનના કુદરતી સંસાધનોનો ઉપયોગ પહેલા અફઘાન લોકોના કલ્યાણ માટે થવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.