Abtak Media Google News

કલેક્ટર, રેન્જ આઈજી, પ્રાંત અધિકારીઓ, એસપી સહિતના અધિકારીઓ અને સાંસદ સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે  આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કરવા પધારી રહ્યા હોય તેઓના કાર્યક્રમને લઈને આજે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે કલેક્ટર, રેન્જ આઈજી, પ્રાંત અધિકારીઓ, એસપી સહિતના અધિકારીઓ અને સાંસદ સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઇ વ્યવસ્થા ચકાસી હતી.

1

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ ખાતે રૂ. 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પટેલ સેવા સમાજ દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લાના ગરીબ દર્દીઓને નજીવા દરે સારવાર મળશે. અહીં જનરલ વોર્ડમાં રોજના રૂ. 150ના ભાડામાં દર્દીને ત્રણ ટાઇમ પેટ ભરીને ભોજન પણ મળશે. હોસ્પિટલમાં ઓપીડી, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, આઇસીસીયું, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, એન્ડોસ્કોપી, ફિઝિયોથેરપી, એનઆઈસીયુ, પીઇસીયુ, કેથલેબ સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે. મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર અપાશે.3

આ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે. આજે આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેને પગલે આજે કચેરીઓ સુમસામ ભાષી હતી. જિલ્લા કલેક્ટર, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ આજે આટકોટ ખાતે સ્થળ વિઝીટ કરી વ્યવસ્થાની અંતિમ ચકાસણી કરી હતી.

રાજકોટ અને ગોંડલથી ભાવનગર અને વીંછીયાથી ગોંડલ જતા હેવી વાહનોને કાલે ડાયવર્ઝન અપાયું

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ઉદધાટન કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પધારનાર છે.  જે અન્વયે સુરક્ષાનાં ભાગ રૂપે રાજકેાટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ  “માલવાહક વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્સ બસો, (એસ.ટી. બસ સિવાય) ડાયવર્ટ કરવા માટે તા.28/05/2022 ના સવારે 06-00 કલાક થી 15-00 સુધી ટ્રાફીક ડાઈવર્ટ કરવાનો હુકમ કરેલ છે.  જેમાં ગોડલ થી ભાવનગર તરફ જતા માલવાહક વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, (ખાનગી ટ્રાવેલ્સ બસો, પેસેન્જર વાહનો, એસ.ટી.બસ સિવાય) ગોંડલ થી ડાયવર્ટ કરી મોટાદડવા કાનપર-સાણથલી- વાસાવડ- બાબરા થઈ ભાવનગર તરફ જાય તે રીતે વાહનો ચલાવવા. રાજકોટ થી ભાવનગર તરફ જતા માલવાહન વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, (ખાનગી ટ્રાવેલ્સ બસો, પેસેન્જર વાહનો, એસ.ટી. બસ સિવાય) સરધારથી ડાયવર્ટ કરી ભાડલા – કમળાપુર- જસદણ – ખાનપર – બાબરા થઈ ભાવનગર તરફ જાય તે રીતે વાહનો ચલાવવા.  વિંછીયાથી ગોંડલ તરફ જતા માલવાહન વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શિયલ વાહનો, (ખાનગી ટ્રાવેલ્સ બસો, પેસેન્જર વાહનો, એસ.ટી. બસ સિવાય) લાલાવદર થી ડાયવર્ટ કરી કડુકા – કમળાપુર – ભાડલા – સરધાર – કોટડાસાંગાણી થઈ ગોંડલ તરફ જાય તે રીતે વાહનો ચલાવવા.  આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલિસ અધિનિયમ – 131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે. તેમ  રાજકોટ જિલ્લાનાં કલેકટર અરૂણ મહેશ બાબુની યાદીમાં જણાવાયું છે.

મુખ્યમંત્રી, ત્રણ કેન્દ્રિય મંત્રીઓ અને અડધો ડઝન રાજ્યના મંત્રીઓ આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓ મહેન્દ્રભાઈ મુંજપરા, મનસુખભાઈ માંડવીયા અને પરસોતમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના મંત્રીઓ જીતુભાઇ વાઘાણી, અરવિંદભાઈ રૈયાણી, ઋષિકેશભાઈ પટેલ, કિરીટસિંહ રાણા અને દેવાભાઈ માલમ સહિતના ઉપસ્થિત રહેશે. આ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની પણ ઉપસ્થિતિ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.