Abtak Media Google News
  • વરસાદ તૂટી પડે ને વડાપ્રધાને હેલીકોપ્ટરના બદલે બાય રોડ આટકોટ જવું પડે તો તેની પણ તૈયારી
  • એરપોર્ટથી આજીડેમ ચોકડી સુધીના વિસ્તારમાં સઘન કામગીરી: 80 ફૂટ રોડ સુધી આપના બેનરો પણ ઉતારાવી લેવાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે જસદણ નજીક આવેલા આટકોટ ખાતે કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે. તેઓ સવારે દિલ્હીથી ખાસ પ્લેનમાં રાજકોટ આવશે અને રાજકોટ એરપોર્ટ પરથી હેલીકોપ્ટર મારફત આટકોટ જવાના છે.

બાય રોડ તેઓનું રૂટ નથી છતાં જો આવતીકાલે સવારે રાજકોટમાં જોરદાર વરસાદ પડે અને ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન હેલીકોપ્ટર મારફત આટકોટ ન પહોંચી શકે અને છેલ્લી ઘડીયે બાય રોડ કારમાં આટકોટ જવાનું થાય તો તેની પણ તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા આજે સવારથી એરપોર્ટથી લઇ આજી ડેમ સુધીના વિસ્તારમાં દબાણો હટાવવાની, રખડતાં ઢોરને પકડવાની અને અન્ય રાજકીય પાર્ટીના બેનરો ઉતારાવી લેવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વડાપ્રધાનના આગમન સમયે તંત્ર દ્વારા તમામ પ્રકારની સંભાવનાઓ ચકાસી અને તૈયારી કરવામાં આવતી હોય છે. રાજકોટ એરપોર્ટ પર વડાપ્રધાનનું કાલે સવારે આગમન થયા બાદ તેઓ ગણતરીની મિનિટમાં જ હેલીકોપ્ટરમાં બેસી આટકોટ જવા રવાના થઇ જવાના છે.

તેઓ રાજકોટ શહેરમાં પ્રવેશ પણ કરવાના નથી. છતાં કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના સંભવિત રૂટ પર દબાણ હટાવવા, બેનરો દૂર કરવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જો કાલે સવારે વરસાદ પડે અને વડાપ્રધાને હેલીકોપ્ટરના બદલે બાય રોડ આટકોટ જવાનું થાય તો આવી પરિસ્થિતિમાં છેલ્લી ઘડીયે કોઇ દોડધામ ન થાય તે માટે આજે સવારથી એસ્ટેટ શાખા દ્વારા એરપોર્ટથી લઇ આજીડેમ સુધીના વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રખડતાં ઢોરને પણ ડબ્બે પૂરવામાં આવી રહ્યા છે અને સમગ્ર રૂટ પર સઘન સફાઇ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં બે દિવસ સુધી પરિવર્તન યાત્રા યોજાઇ હતી. જેના બેનરો ઠેર-ઠેર લગાવવામાં આવ્યા હોય આ બેનરોને પણ ઉતારી દેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.