Abtak Media Google News

સાત કલાકના ગુજરાત રોકાણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અલગ-અલગ પાંચ કાર્યક્રમોમાં હાજરી આપશે

કર્ણાટક વિધાનસભાની ચુંટણીના પરિણામના એક દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અર્થાત આવતીકાલે શુક્રવાર માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સાત કલાકના ગુજરાત રોકાણ દરમિયાન તેઓના હસ્તે રૂ. 2452 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં શહેરી વિસ્તારના રૂ. 1654 કરોડના કામો, પાણી પુરવઠા વિભાગના રૂ. 734 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવશે.

Advertisement

વડાપ્રધાન ગુજરાતમાં માત્ર સાત કલાકનું રોકાણ કરશે જે અંતર્ગત તેઓ અલગ અલગ પાંચ કાર્યક્રમોમાં હાજરી આપશે સંગઠન અને સરકારના પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે. આગામી દિવસોમાં સરકારના મંત્રી મંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.  જેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે તેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણાના કસ્બામાં 18.46 એમએલડી ક્ષમતાના અને નાગલપુરમાં 23.18 એમએલડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ તેમજ અમદાવાદમાં બાપુનગર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 એમએલડી  ક્ષમતાના એસટીપી તેમજ રાઇઝિંગ મેઇનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, દહેગામ ખાતે ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.

આ સાથે જ શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદમાં ગોતા ખાતે તેમજ અમરાઇવાડી ખાતે નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગેલેક્સી સિનેમા જંક્શન, દેવી સિનેમા જંક્શન અને નરોડા પાટિયા જંક્શનને જોડતો ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, વાડજ તેમજ સતાધાર જંક્શન ખાતે ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, અખઈના વિવિધ ઝઙ રોડ્સનું રિગાર્ડેશન અને રિસર્ફેસિંગ તેમજ અન્ય વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

પાણી પુરવઠા વિભાગ હેઠળ સીયુ ઓગમેન્ટેશન પ્રાદેશિક પાણી પુરવઠા યોજના પેકેજ- 1, 2 અને 3નું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ ચેસણ બ્યુલ પાઇપલાઇન તેમજ લાભોર અને જલુન્દ્રા જૂથ પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે.

આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ પાલડી નવાપુરા સરોડા ધોળકા રોડ પર રૂ.39 કરોડના ખર્ચે તૈયાર થયેલા રિવર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ખાણ અને ખનિજ વિભાગ હેઠળ રૂ.25 કરોડના ખર્ચે નરોડા જીઆઇડીસી  ખાતે ડ્રેનેજ કલેક્શન નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવશે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના શૈક્ષણિક સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે

ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક આવેલ નિજાનંદ ફાર્મ ખાતે આજથી ત્રણ દિવસ સુધી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.  આ વખતના સંમેલનની થીમ છે, ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ ટ્રાન્સફોર્મિંગ  એજ્યુકેશન (શિક્ષણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાના કેન્દ્રમાં શિક્ષકો). આ સંમેલનના બીજા દિવસે એટલે કે આવતી કાલે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી  પુરુષોત્તમ રૂપાલા,  સાંસદ  સી.આર. પાટિલ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાતના આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઈ પટેલ,શિક્ષણ મંત્રી  કુબેરભાઈ ડિંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ દરમિયાન યોજવામાં આવેલ શૈક્ષણિક પ્રદર્શનનું નિરીક્ષણ કરશે.

આ પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીના વર્ષ 2001થી 2014 સુધીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓએ શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા માટે જે કામગીરી કરી હતી અને રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે જે પગલાંઓ લીધા હતા, તેના સંસ્મરણો સ્વરૂપ તસવીરો પણ પ્રદર્શિત કરવામાં આવશે. તેમાં શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, ક્ધયા કેળવણી રથયાત્રા જેવી વડાપ્રધાનની તે સમયની શિક્ષણ ક્ષેત્રની કેટલીક મહત્વપૂર્ણ પહેલો સમાવિષ્ટ છે. આ સાથે જ કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ જેવીકે બનાસકાંઠામાં આવેલ ભયાવહ પૂર, પુલવામાં હુમલો, કોરોનાકાળમાં શિક્ષકો દ્વાર યોજવામાં આવેલ રક્તદાન શિબિરો વગેરેના તસવીરોરૂપ સંસ્મરણો પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત,  નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શિક્ષક દિવસે શિક્ષકોને સંબોધન કર્યું હોય તેવા સંસ્મરણો પણ રજૂ કરવામાં આવશે. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

આ ત્રિદિવસીય સંમેલનમાં ગુજરાત સહિત દેશભરમાંથી 91 હજારથી વધુ  પ્રતિનિધિઓ હાજરી આપશે. આ ઉપરાંત, પોલિટિકલ, સોશિયલ, એજ્યુકેશનલ અને કલ્ચરલ ડિગ્નિટરીઝ તેમજ ઇન્ટરનેશનલ યુનિયન લીડર્સ હિસ્સો લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.