Abtak Media Google News
  • અમદાવાદ શહેર અને ઔડાના 14 તળાવોને રૂ.100 કરોડથી વધુના ખર્ચે ઇન્ટરલિંકિંગ કરીને પર્યટન સેન્ટર બનાવવાની શરૂઆત
  •  કરવા અંગે તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં નવા 1200 તળાવ બનાવવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના જનપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ.211 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું.  અમિતભાઇ શાહે ઔડા દ્વારા રૂ.94.95 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ બોપલ વોટર સપ્લાય પ્રોજેક્ટ, ગોધાવી ખાતે રૂ.9.69 કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, રૂ.8 કરોડના ખર્ચે ઇ.ડબલ્યુ.એસ. નીલકમલ આવાસ યોજના હેઠળ 70 આવાસોનું લોકાર્પણ તેમજ રૂ.77.72 કરોડના ખર્ચે એસ.પી. રીંગ રોડ કમોડા જંકશન પર ફ્લાય ઓવરબ્રિજ, રૂ.12.63 કરોડના ખર્ચે મણિપુર-ગોધાવી રસ્તા પર કેનાલ બ્રિજ બનાવવા ઉપરાંત રૂ.10.17 કરોડના ખર્ચે મિશન મિલિયન ટ્રીઝ અને  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 6.06 કરોડના ખર્ચે ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ, ઔડા સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં રૂ.5.00 કરોડના ખર્ચે વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી, કલોલ ખાતે રૂ.2.61 કરોડના ખર્ચે કપિલેશ્વર તળાવના રી-ડેવેલપમેન્ટની કામગીરી, બોરીસણા ગામે રૂ.1.82 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશનના અપગ્રેડેશનના કાર્ય સહિતના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ કચરાના કલેક્શન અને નિકાલ માટેના વાહનોને પ્રસ્થાન કરાવ્યું હતું.

શાહે અમદાવાદ શહેર અને ઔડાના 14 તળાવોને રૂ.100 કરોડથી વધુના ખર્ચે ઇન્ટરલિંકિંગ કરીને પર્યટન સેન્ટર બનાવવાની શરૂઆત કરવા અંગે તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં નવા 1200 તળાવ બનાવવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના જનપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રમુખ સ્વામી નગરની કળશ સ્થાપન વિધિમાં ભાગ લીધો.

આ પ્રસંગે અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામીજી મહારાજે ભારતીય ધર્મ અને સંસ્કૃતિના ધ્વજવાહક બનીને વિશ્વભરમાં 1100 થી વધુ મંદિરોની સ્થાપના કરી. માનવતાની સેવા માટે સમર્પિત તેમનું જીવન હંમેશા આપણને માર્ગદર્શન કરતું રહેશે. આ ઉપરાંત અમિતભાઇ શાહે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે કટિબદ્ધતા વ્યકત કરતા વૃક્ષરોપણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ માટે વૃક્ષારોપણ અંત્યન્ત જરૂરી છે અને જનભાગીદારી તેનું અનિવાર્ય પાસું છે.

નવનિર્મિત મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવી ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગુજરાતના વિકાસને અનેક આયામોમાં ગતિશીલતા આપી છે, દરેક ક્ષેત્રે ગુજરાતને વિકાસના નકશા પર દેશમાં પ્રથમ સ્થાને મૂક્યું છે.

ગુજરાતમાં પર્વતીય વિસ્તાર કે જંગલોમાં રહેતા આદિવાસી અને વનવાસી નાગરિક, સાગર કિનારે રહેતા સાગરખેડુઓના વિકાસ, ખેડૂતલક્ષી કામગીરી, ગ્રામીણ-શહેરી વિકાસ, ઔદ્યોગિક રોકાણ લાવવા કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રોડ-રસ્તા-ફ્લાયઓવરની વાત હોય, મેટ્રો લાવવાની હોય કે પર્યાવરણ ફ્રેન્ડલી બસોની વાત હોય, પ્રત્યેક ક્ષેત્રમાં ગુજરાતમાં વિકાસ સુનિશ્ચિત કરવાની કટિબદ્ધતા સાથે નરેન્દ્રભાઈ મોદીએ કાર્ય કર્યું છે. 2014માં  નરેન્દ્રભાઈ મોદીના દેશના વડાપ્રધાન થયા બાદ પણ  આનંદીબેન પટેલ થી લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી ગુજરાતમાં  વિકાસની પરંપરા આજે પણ અવિરત રૂપથી ચાલુ છે.

આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશભાઇ પટેલ, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, અમદાવાદ જિલ્લા ભાજપા પ્રમુખ  હર્ષદગીરી ગોસ્વામી, ધારાસભ્યઓ પ્રદિપસિંહ જાડેજા, બાબુભાઈ જે. પટેલ, કનુભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, કિશોર ચૌહાણ, કલોલ નગરપાલિકાના પ્રમુખ  ઉર્વશીબેન પટેલ, ચૂંટાયેલા સભ્યઓ, સંબંધીત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી  ઋષિકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.