Abtak Media Google News
  • રાણીપની નિશાન વિદ્યાલય ખાતે સવારે 7:30 કલાકે કરશે મતદાન

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આગામી 7મી મેના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મતદાર હોવાના નાતે તેઓ મંગળવારે વહેલી સવારે મતદાન માટે માદરે વતનમાં આવશે. રાણીપની નિશાન વિદ્યાલય ખાતેના પોલીંગ બૂથ પર સવારે 7:30 કલાકે મતદાન કરી તેઓ અન્ય રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે રવાના થઇ જશે.

Advertisement

ભાજપના અડીખમ ગઢ એવા ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ગત બુધવાર અને ગુરૂવારના રોજ અલગ-અલગ 6 જાહેર સભાઓ સંબોધી હતી. જેમાં લોકસભાની 13 બેઠકોને આવરી લેવામાં આવી હતી. હવે પીએમ મતદાન દિવસે એટલે કે આગામી મંગળવારે જ ફરી ગુજરાતમાં આવશે. રાણીપ સ્થિત નિશાન વિદ્યાલય ખાતે તેઓ સવારે 7:30 કલાકે મતદાન કરે તેવું જાણવા મળી રહ્યું છે. ઉનાળાની ગરમીના કારણે આ વખતે ચૂંટણી પંચ દ્વારા મતદાનનો સમય સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી નિયત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી રવિવારે અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે પણ જવાના છે. જ્યાં તેઓ વિશાળ રોડ-શો યોજશે. ત્રીજા તબક્કાના મતદાનના આડે હવે ચાર દિવસનો સમય બાકી રહ્યો છે. આવતા રવિવારે સાંજે 6:00 કલાકે પ્રચારના ભૂંગળા શાંત થઇ જશે.

ગુજરાતની 26 પૈકી 25 બેઠક માટે 7મી એ મતદાન થવાનું છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે. પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હાલ ગુજરાતના અલગ-અલગ સ્થળોએ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.