Abtak Media Google News

જામનગરના રણજીતનગર તેમજ સાધના કોલોની વિસ્તારમાં ગઈકાલે બે વેપારીએ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરી વ્યાપાર ચાલુ કરતા પોલીસ દોડી ગઈ હતી જ્યારે જોડીયામાંથી ત્રીપલ સવારીમાં બાઈકમાં માસ્ક પહેર્યા વગર જતા શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી છે.

કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે આર્થિક ગતિવિધિઓને ધબકતી રાખવા માટે આપવામાં આવેલા અનલોક-૨માં સવારના ૮ થી સાંજના ૮ સુધી વેપાર-ધંધા ચાલુ રાખવા મંજુરી આપવામાં આવી છે. તેમજ રાત્રીના સમયે કારણ વગર ઘરની બહાર નીકળવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં કાયદા, સૂચનાનો ભંગ થતો હોય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગઈકાલે રણજીતનગરમાં આવેલી શાકમાર્કેટમાં લેટેસ્ટ ફેશન નામની દુકાનમાં ભીડ જામી હોવાની વિગત મળતા પોલીસ ધસી ગઈ હતી. ત્યાંથી વેપારી જીત અશ્વિનભાઈ નંદાની વધારે માણસો એકઠા કરી સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરવા અંગે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

સાધના કોલોનીમાં કટલેરીની દુકાન ધરાવતા દીપકભાઈ રણમલભાઈ તાળાએ પણ પોતાની દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સ રખાવ્યા વગર ગ્રાહકો એકઠા કર્યા હતાં. પોલીસે આઈપીસી ૧૮૮ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જોડીયામાં બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે બપોરે બાદનપર ગામના મચ્છાભાઈ ગોબરભાઈ ભરવાડ નામના વ્યક્તિ પોતાના મોટર સાયકલમાં ત્રીપલ સવારીમાં માસ્ક પહેર્યા વગર નીકળતા પોલીસે મચ્છાભાઈ સામે આઈપીસી ૧૮૮ હેઠળ કાર્યવાહી કરી છે.

એક જ દિવસમાં કોરોનાના  ર૭ કેસ બે તબીબ અને પત્રકાર પણ કોરોનામાં સપડાયા

જામનગર સહિત સમગ્ર હાલર પંથકમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું  છે. જામનગર શહેરમાં ગઈકાલે રેકોર્ડબ્રેક કહી શકાય તેમ એક જ દિવસમાં ર૩ પોઝિટિવ કેસ નોંધાયા હતાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચાર મળી હાલારમાં કુલ ર૭ પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેમાં ડોકટર અને પત્રકારનો સમાવેશ થાય છે.

હાલારમાં કોરોના વાઈરસએ ડેરા તંબુ તાણ્યા છે. તેમાં પણ સોથી વધુ કેસ જામનગરમાં નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરમાં ર૩ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના ચાર આમ જામનગરમાં કુલ ર૩ માંથી એક પત્રકાર રવિ બુદ્ધદેવ તેમજ જી.જી. હોસ્પિટલના એક રેસીડેન્ટ ડોક્ટર તેમજ જામનગરના એક ખાનગી તબીબનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે જામનગરના સિનિયર કોંગ્રેસી આગેવાન અને પૂર્વ કાનૂન મંત્રી એમ.કે. બલોચ સહિત કુલ પાંચ દર્દીઓ સાજા થતા તેમને પણ રજા આપવામાં આવી હતી. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૦૦નો પોઝિટિવ આંક થયો છે.

બાલા હનુમાન સંકીર્તન મંદિર શનિવારથી બંધ રહેશે

જામનગરમાં કોરોના વાઈરસની મહામારીનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિને જોતા જામનગરની તળાવની પાળ પર આવેલ વિશ્વ પ્રસિદ્ધ  બાલા હનુમાન સંકીર્તન મંદિર તા. ૧-૮-૨૦૨૦ થી સદંતર બંધ રહેશે. માત્ર અખંડ રામ ધુન ચાલુ રહેશે. સર્વે ધર્મપ્રેમી જનતાને આ બાબતની નોંધ લેવા  બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટના મંત્રી વિનુભાઈ તન્નાએ જણાવ્યુ છે.

તળાવની પાળનો જોગીંગ ટ્રેક ખોલવા મંજુરી આપો: આહુજા

જામનગર સહિતના શહેરોમાં આગામી દિવસોમાં અનલોક-૩ નો અમલ કરવામાં આવનાર છે, ત્યારે જોગીંગ-વોકીંગ માટે તળાવની પાળનો ટ્રેક ખુલ્લો કરવા માંગણી ઊઠવા પામી છે. જામનગરના અનિલ પી. આહુજાએ મ્યુનિ. કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, અનલોક-૩ ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તળાવની પાળનો ટ્રેક રનિંગ, જોગીંગ માટે ખોલી આપવો જોઈએ ત્યાં કસરતના સાધનો પણ ઉપલબ્ધ છે. કસરત, રનિંગ, જોગીંગથી ઈમ્યુનિટીમાં વધારો થાય છે. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સના નિયમની કડક અમલવારી કરીને આ ટ્રેક ખોલી આપવો જોઈએ. જો મંદિરો ખોલી શકાતા હોય તો આ જોગીંગ ટ્રેક સવારે ૬ થી ૯ સુધી ખોલવામાં શું વાંધો હોઈ શકે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.