Abtak Media Google News

પીએચ.ડી.ની વિદ્યાર્થીનીના છેડતી પ્રકરણમાં સંડોવાયેલા પ્રોફેસર જયોતિન્દ્ર જાનીને કોલેજ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શનિવારે એનએસયુઆઈ દ્વારા સસ્પેન્ડ કરવાની માંગણી સાથે હલ્લાબોલ કરી પ્રિન્સીપાલની ચેમ્બરમાં રામધુન બોલાવી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિ.માં અત્યાર સુધીમાં વિદ્યાર્થીનીઓ પાસે અઘટીત માંગણી કરનાર પ્રોફેસરોને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. જેમાં અગાઉ યુનિ. બાયોસાયન્સ ભવનના વડા નિલેશ પંચાલ, અર્થશાસ્ત્ર ભવનના અધ્યાપક રાકેશ જોશી આવા જ કારણોસર સસ્પેન્ડ થયા હતા. આ ઉપરાંત સમાજશાસ્ત્ર વિભાગના એક પૂર્વ પ્રોફેસરની પણ વિદ્યાર્થીની પાસે યૌન શોષણની માંગણી કરતી ઓડીયો કલીપ પણ અગાઉ વાયરલ થતા આ ઘટનાએ ઉચ્ચ શિક્ષણ જગતમાં સારી એવી ચકચાર જગાવી દીધી હતી. જયારે એમ.જે.કુંડલીયા કોલેજના પ્રોફેસર જયોતિન્દ્ર જાની સામે પણ હવે પીએચ.ડી.ની એક વિદ્યાર્થીનીએ પણ છેડતી કર્યાનો આક્ષેપ આવતા હવે જ્યોતીન્દ્ર જાનીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એમજે કુંડલીયા કોલેજને પ્રોફેસર જાની સમક્ષ તાકીદે પગલાં લેવા જણાવ્યુ હતું ત્યારે આજે કોલેજ ટ્રસ્ટની મીટીંગ દરમિયાન પ્રોફેશર જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.