Abtak Media Google News

ગુજરાત યુનિવર્સિટીના 72 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના 51,622 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના અધ્યક્ષપદે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી  ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

દિક્ષાંત સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શિક્ષણમંત્રી   ઋષીકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

ગુજરાત યુનિવર્સિટીના 72માં દિક્ષાંત સમારોહમાં  51622 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમાં અને પ્રમાણપત્રો અર્પણ કરાયા

ઉપરાષ્ટ્રપતિ   જગદીપ ધનખડજી અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ – કલામ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. અટલ – કલામ ભવનમાં જ આયોજિત દીક્ષાંત સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી બોલતાં ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડજીએ કહ્યું હતું કે, યુવાનોએ ગભરાવું ન જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જીવનના દરેક પડકારોનો સામનો કરીને આગળ વધવું જોઈએ. જો તમને સફળતા ન મળે તો નિરાશ કે હતાશ થઈ જવાને બદલે મક્કમ મને મુકાબલો કરશો તો સફળતા જરૂરથી મળશે.

આઝાદીના અમૃતકાળમાં કર્તવ્યકાળની એક મજબુત નીવ મૂકવામાં આવી છે. જ્યારે દેશ વર્ષ 2047માં આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યો હશે ત્યારે યુવાનો પર સૌથી વધુ આશા હશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દીક્ષાંત સમારોહ એ શિક્ષાંત સમારોહ નથી. વિદ્યાર્થીઓએ જીવનભર શીખતા રહેવું જોઈએ. જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરતા રહેવું જોઈએ. એટલું જ નહીં, પોતાના જ્ઞાનને લોક કલ્યાણમાં જ્યાં આવશ્યકતા હોય ત્યાં વહેંચતા રહેવું જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમૃતકાળમાં આ દેશના યુવાનો વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરે. જે ક્ષેત્રમાં કામ કરતા હોવ તે ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે યુવાનો કામ કરે એ સમયની માંગ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો અમૃતકાળ પ્રવેશ અને ગુજરાત યુનિવર્સિટીના અમૃત મહોત્સવ બેયના સુયોગથી 72મો પદવિદાન સમારોહ વધુ  ગરિમામય બન્યો છે.

તેમણે પદવી પ્રાપ્ત કરનારા યુવા છાત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાપેલી આ યુનિવર્સિટી આજે વિશાળ વટ વૃક્ષ બની છે.

એટલું જ નહીં, સ્પેસ પ્રોગ્રામના જનક ડો. વિક્રમ સારાભાઈથી લઈને રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક ક્ષેત્રે અનેક વિરલ પ્રતિભાઓ આ યુનિવર્સિટીએ આપી છે.

મુખ્યમંત્રીએ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ પણ આ ઉજ્જવળ પરંપરા આગળ ધપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.