Abtak Media Google News

જળસંચયથી કૃષિ ક્રાંતિ, સજીવ ખેતીમાં સુઝબુઝનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

રાજકોટ જિલ્લામાં બાગાયતી ખેતીની નવી ક્ષિતિજો વિસ્તરી રહી છે રાજ્ય સરકારના ઉદ્દીપન અને પ્રોત્સાહનના કારણે ઘણા ખેડૂતો બાગાયતી ખેતી માટે આગળ આવી રહ્યા છે. આવા પ્રયોગશીલ ખેડૂતોએ તેમની પ્રયોગશીલતા અને સુઝબુઝનો સદુપયોગ કરી બાગાયતી ખેતીમાં શાનદાર સફળતા મેળવી આર્થિક સ્વાવલંબન હાંસલ કર્યું છે. આવું એક પ્રેરક દૃષ્ટાંત એટલે રાજકોટ જિલ્લાના ગઢકા ગામના પ્રગતિશીલ ખેડૂત ચતુરભાઈ કલોલા.

Advertisement

બાળપણથી જ અભ્યાસમાં રૂચિ ધરાવતા ચતુરભાઈ એ પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પરંતુ પરિવારની આર્થિક સ્થિતિના કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ કરી ન શક્યા અને પિતાને આર્થિક રીતે ટેકારૂપ બનવા તેમણે ઇલેક્ટ્રિશિયનનું કાર્ય શરૂ કર્યું. ગઢકા ગામમાં જ ઈલેક્ટ્રીક અને જનરલ સ્ટોરની દુકાન ધરાવતા ચતુરભાઈના જીવનમાં ૨૦૦૭ના વર્ષમાં બહુ મોટો વળાંક આવ્યો, જેણે ચતુરભાઈને તેમના બાપદાદાના વ્યવસાય એવા ખેતી તરફ પ્રેરિત કર્યા.

પોતાના જીવનમાં આવેલ આ વણાંકની વાત કરતા ચતુરભાઈ કહે છે કે,૨૦૦૭ના વર્ષમાં મને વારસામાં ૬ વીઘા જમીન મળી હતી અને આ વર્ષમાં જ અમારા ગામમાં કૃષિરથ આવ્યો આ બંને સંયોગીક ઘટના ૨૦૦૭ માં બની. કૃષિ રથના માધ્યમથી કૃષિ તજજ્ઞો – વૈજ્ઞાનિકોએ આપેલા માર્ગદર્શને મને કૃષિ તરફ પ્રેર્યો, અને મેં મનોમન આધુનિક અભિગમ સાથેની ખેતી અપનાવવાનો નિર્ધાર કર્યો. ચતુરભાઈના દ્રઢ સંકલ્પ એ તેમને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે યોજાતા કૃષિ મહોત્સવ કૃષિ મેળાઓ અને કૃષિના વિકાસ માટેના કાર્યક્રમો તરફ પ્રયાણ કરાવ્યો અને તેમની જીજીવિષા એ તેમને કૃષિક્ષેત્રે આગવુ સન્માન અપાવ્યું.

Chaturbhai Kalola 4

કૃષિ વિકાસની ગાથાને આલેખતા ચતુરભાઈ કહે છે કે, કૃષિ તજજ્ઞો દ્વારા મળેલ માર્ગદર્શન થકી મેં મારી ૬ વીઘા જમીનને નવસાધ્ય કરવાની સાથે ખેત તલાવડી બનાવી વરસાદના ટીપે – ટીપાનો સંગ્રહ કર્યો. જેના પરિણામે મારો કૂવો બારેમાસ પાણીથી છલોછલ રહેવા લાગ્યો આ પાણીનો મેં ટપક પદ્ધતિ દ્વારા ખેતીમાં ઉપયોગ કરી ઓછા પાણીની સામે મબલખ કમાણી કરી. ખેતીમાં આગળ વધતા ચતુરભાઈને સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન મળ્યું, અને તેમણે મનોમન ઝીરો બજેટની ખેતીની સાથે પરંપરાગત નહીં, પરંતુ સજીવ ખેતીના માર્ગે આગળ વધવા દ્રઢ સંકલ્પ કર્યો.

પ્રારંભમાં તેમણે બે એકરમાં જામફળ લીંબુ જેવા બાગાયતી પાકો વાવ્યા. કુદરતી દેશી ખાતરની સાથે ચતુરભાઈની મહેનત રંગ લાવી, અને ગત વર્ષે જ તેમણે માત્ર જામફળના વેચાણ થકી રૂ. ૨ લાખની કમાણી કરી. સફળ ખેતી થકી સમૃદ્ધિ માટે નાના અને સીમાંત ખેડૂતોને માર્ગદર્શક સૂચન કરતાં ચતુરભાઈ કહે છે કે, ખેતરમાં ડ્રિપ ઈરીગેશન, ખાતરનો સમજપૂર્વક ઉપયોગ, ખેત તલાવડી અને ખેતીમાં રોજની પાંચ કલાક હાજરી આપો એટલે પાક ક્યારેય નિષ્ફળ જશે નહીં અને ખેત પેદાશ કાચા સોનાની જેમ ઉગી નીકળશે.

ચતુરભાઈને પરંપરાગત કૃષિ પદ્ધતિમાંથી વૈજ્ઞાનિક અભિગમ સાથે ઝીરો બજેટની સજીવ ખેતી તરફની સફર દરમિયાન અનેક સન્માનો મળ્યાં છે. જેમાં ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય બદલ આત્મા એવોર્ડ, સેન્દ્રીય ખેતી માટે શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ તેમજ પ્રાકૃતિક ખેતી માટે માસ્ટર ટ્રેનર એવોર્ડ અને તાજેતરમાં ૨૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.