Abtak Media Google News

મેયર પોતાના વોર્ડ નં.12ના રસ્તાના ખાડાઓ બુરી નથી શકતા એ રાજકોટના અન્ય વોર્ડના ખાડાઓ શું બુરશે ? મહેશ રાજપૂતનો સવાલ

મહાપાલિકાની મોન્સુનની નિષ્ફળ કામગીરી સામે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા બુરો અભિયાનમાં આજે મેયરના વોર્ડ નં. 12 માં પુનીત નગર 80 ફૂટ રોડ પર ખોડલ ચોક પડેલા ખાડા બુર્યા હતા.

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  મેયર પ્રદીપભાઈ ડવના વોર્ડ નં.12 માં પુનીત નગર 80 ફૂટ રોડ પર ખોડલ ચોક ખાતે ખાડા બુરો અભિયાન યોજવામાં આવ્યો હતો તે સ્થળે ખાડાની અંદર પાવડો નાખતા જોવા મળ્યું હતું કે, 1 થી 1.5 ફૂટ જેટલા ઊંડા ખાડાઓ પડી ગયેલા છે. શહેરમાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રની મોન્સુન કામગીરીની પોલ મેઘરાજાએ ખોલી છે તેમજ રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સુન કામગીરી કરવાની હોય તે ફક્તને ફક્ત કાગળ ઉપર કરેલી સ્પષ્ટ દેખાય છે તેમજ જે ડ્યુરીંગ મોન્સુન કામગીરી કરવાની થતી હોય તે કામગીરી પણ મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા ઉદાસીનતાથી કરવામાં આવે છે અને કોઈ જ કામગીરી નક્કર રીતે કરેલી દેખાતી નથી.

રસ્તામાં ખાડા બુરવાની જે કામગીરી કરવાની થતી હોય તે પ્રમાણે જોઈએ તો રાજકોટ શહેરના મોટાભાગના રોડ-રસ્તા ડેમેજ થયેલા હોય ત્યારે કામગીરી ફક્ત કાગળ ઉપર થયેલી સ્પષ્ટ થાય છે. ફક્ત એક જ વરસાદમાં રાજકોટ શહેરમાં ગેરેંટી વાળા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને રોડ તૂટી ગયેલ છે ત્યારે ગેરેંટી વાળા રોડ રસ્તા રીપેરીંગ-મરામત કરવામાં રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ નીવડેલ છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા બુરો અભિયાનમાં વોર્ડ નં.12ના કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે મળી શહેર કોંગ્રેસ દ્વારા આજે પુનીતનગર 80 ફૂટ મેઈન રોડ પરના ખોડલ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ખાડા બુરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં ખાડા ખબડા પડેલ હોય વરસાદ થયાના આજે 19 દિવસ જેવો સમય વીતી જવા છતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસ પક્ષ  ખાડા બુરવા નીકળેલ છે. રાજકોટના રાજમાર્ગો, મુખ્ય રસ્તાઓ સહિતના બધા રસ્તાઓની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે, તેના કરતા ગામડાના રસ્તાઓ પણ સારા હોઈ. ખરાબ રસ્તાના કારણે લોકો સ્લીપ થઈ જાઈ છે ફેકચર થઈ જાય છે ત્યારે ઓર્થોપેડિક હોસ્પિટલોમાં મણકાના દુ:ખાવાની લાઈનો લાગી છે.

ત્યારે આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો સાથે મળીને શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરના પુનીતનગર 80 ફૂટના રોડ પર આવેલ ખોડલ ચોક પાસેના રસ્તા પરના ખાડાને બુરવામાં આવ્યા હતા જેથી આ ઘોર નિંદ્રામાં સુતેલું રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પદાધિકારીઓ હોય કે અધિકારીઓ જાગે. રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત,

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, આઈ.ટી.સેલના ઝોન ઇન્ચાર્જ ભાર્ગવભાઈ પઢીયાર, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ સખીયા, પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા, કનકસિંહ જાડેજા, આગેવાનો અજીતભાઈ વાંક, મનીષભાઈ વાગડિયા, ધીરુભાઈ સંઘાણી, છગનભાઈ ગજેરા, ગોપાલભાઈ ભરવાડ, લાખાભાઈ ભરવાડ, અજીતસિંહ જાડેજા, સંદીપભાઈ ભંડેરી, ગિરજાશંકર દવે, જયેશભાઈ ખુંટ, અશોકભાઈ મારકણા તેમજ સુરેશભાઈ સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહી ખાડા બુરો અભિયાન વોર્ડ નં.12 ખાતે કરવામાં આવેલ હતું તેવું રાજકોટ મહાનગરપાલિકા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.

કોંગ્રેસનું ખાડા બુરો નહીં પરંતુ ફોટા પડાવો અભિયાન: મેયર

ચોમાસુ પૂર્ણ થતાં જ રસ્તાઓ પર પેચવર્ક અને પેવરની કામગીરી હાથ ધરાશે

ઓગસ્ટ માસમાં 48 કલાકમાં આશરે 25 ઈંચ જેટલો વરસાદ પડેલ ત્યારબાદ આજ સુધી દરરોજ સતત વરસાદ આવી રહ્યો છે. જેના કારણે રોડ રસ્તાને નુકશાન થયેલ છે. જે રસ્તાને નુકશાન થયેલ છે તે રસ્તાની મરામતની કામગીરી તંત્ર દ્વારા થઈ રહી છે. પરંતુ ફરીને વરસાદના તેમજ ભારે વાહનોની અવરજવરના કારણે મેટલ  મોહરમનું ધોવાણ થતું હોય છે, તંત્ર દ્વારા કામગીરી થઇ રહી છે, તે સૌ શહેરીજનો પણ જાણે છે.

તેમ વોર્ડ નં.12ના કોર્પોરેટર અને મેયર ડો.પ્રદિપ ડવ, મગનભાઈ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડિયા, અને મિતલબેન લાઠીયાએ જણાવ્યું છે.કોંગ્રેસે પુનિતનગર વિસ્તારમાં ખાડા બુરવાનું નાટક સાથે ફોટો સેશન કરી રહેલ છે. પરંતુ કોંગ્રેસના મિત્રોને જણાવવાનું કે વોર્ડના કોઈપણ વિસ્તારની ચિંતા અમો કરી રહ્યા છીએ. અમો ચુંટાયા બાદ પુનિતનગર વિસ્તારના રસ્તા બનાવવા માટે મંજુર કરેલ છે. હાલ આ વિસ્તારમાં ડ્રનેજ તેમજ સ્ટ્રોમ વોટરની કામગીરી થોડા સમય પહેલા જ પૂર્ણ થયેલ છે. હવે ચોમાસાની ઋતુ પુરી થયે ત્યારબાદ રૂ.5 કરોડના ખર્ચે પુનિતનગરથી વગળ ચોકડી સુધી પેવર કામ કરવામાં આવનાર છે.

ઓગસ્ટ માસમાં 48 કલાકમાં શહેરોમાં ભારે વરસાદ પડતા ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં સતત હાજર રહી જ્યાં જ્યાં પાણી ભરવાની કે ઝાડ પડવાની કે અન્ય મુશ્કેલી ઉભી થયેલ તેના નિરાકરણ માટે કાર્ય કરાવેલ. આ ઉપરાંત આજી નદી કાંઠાના વિસ્તારમાં આવેલ લલુળી વોંકળીના લોકોને સ્કુલોમાં સ્થળાંતર તેમજ સામાજીક સંસ્થાના માધ્યમથી ભોજનની વ્યવસ્થા કરાયેલ. વિશેષમાં, વરસાદ વિરામ લેતા તંત્ર પાસે ખાડાઓ મરામત કરાવવા પણ કોર્પોરેટર સતત જાગૃતિ દાખવેલ છે.

ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની જાગૃતતા તથા તંત્રની કામગીરીથી કોંગ્રેસના મિત્રોને બે દિવસ પહેલા કરણપરા વિસ્તારમાં ખાડા બુરવાની કામગીરીમાં જે ફોટા બનવેલ છે તે જ બતાવે છે કે, કોઈ ગંભીર ખાડા ન હતા છતાં ફક્ત ફોટો સેશન માટે જ ખાડા બુરેલ છે, તે સ્પષ્ટ દેખાય આવે છે. ગઈરાત્રીના જોરદાર વરસાદના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા કોર્પોરેટર આજી નદીના કાંઠા વિસ્તારના લોકોને કોઈ મુશ્કેલી નથી.

ચોમાસાની ઋતુ પુરી થાય ત્યારબાદ શહેરના તમામ રસ્તાઓ પર પેચ વર્કની તેમજ ડામર-પેવર વિગેરેની કામગીરી હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.