Abtak Media Google News

બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટ કાર્યાલય ખુલ્લું મુકાયું : સંતોની સાથે, રાજકીય આગેવાનો તથા સમાજ શ્રેષ્ઠિઓ રહ્યા ઉપસ્થિત

બાગેશ્વર ધામ કાર્યાલય ખુલતા જ કાર્યકરો અને આયોજકોમાં અનેરો થનગનાટ : યોગીનભાઈ છનિયારા

તારીખ 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટના આંગણે ભવ્ય દિવ્ય દરબાર યોજી રહ્યા છે. ત્યારે બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટ કાર્યાલય સંતો, રાજકીય આગેવાનો અને સમાજ શ્રેષ્ઠિઓ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયથી ઉપસ્થિત રહેલા ભક્તિપ્રકાશ દાસ સ્વામીએ પોતાના વક્તવ્ય અને પ્રવચનમાં જણાવ્યું હતું કે જે કોઈ બાગેશ્વર ધામનો વિરોધ કરી રહ્યા છે તે સાવધાન રહે કારણકે રાજકોટના આંગણે બાગેશ્વર ધામ આવશે જ. મા તેઓ જણાવ્યું હતું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સનાતન ધર્મ ને ઉજાગર કરવા માટે એકમાત્ર હીરો છે જેને ટેકો આપવો ખૂબ જ જરૂરી છે.

Advertisement

બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે રાજકીય આગેવાનો જેવા કે ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, શહેરના પ્રથમ નાગરિક ડો. પ્રદીપ ડવ,  ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી , ક્લાસીક ગ્રુપના સ્મિત કનેરિયા,  શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા ડીવી મહેતા સહિતના વિવિધ આગેવાનો અને સમાજ શ્રેષ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યને બિરદાવ્યું હતું. પત્રકારો સાથે વાતચીત કરતા ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે, જે કોઈ વ્યક્તિ સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યો હોય તો તેને વિરોધ કર્યા વગર સપોર્ટ કરવો જોઈએ જે કરવા માટે તેઓ આગળ આવ્યા છે. આયોજક કમિટીના યોગીનભાઈ છનિયારાએ પણ જણાવ્યું હતું કે, હાલ કમિટીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે પ્રતિસાદ મળી રહ્યો છે અને બાગેશ્વર ધામ જ્યારે રાજકોટ પધારી રહ્યા હોય ત્યારે સનાતન ધર્મ ને ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે આ કાર્ય અત્યંત ફળરૂપ નીવડશે.

રાજકોટના રેસકોર્ષ ખાતે બાબા બાગેશ્વરધામના કાર્યાલયની શરૂઆત કરાઇ છે. કાર્યાલયની શરૂઆતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું કે આ કાર્યક્રમ હિન્દુ સનાતન ધર્મનો છે. આ કાર્યક્રમનો રાજકીય વિરોધ ન થવો જોઇએ. જો કોઇ શહેરમાં આ કાર્યક્રમનો રાજકીય વિરોધ થાય તો તે દુ:ખની વાત છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની સુરતથી શરૂઆત થશે. સુરતમાં 26મેથી બે દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં દિવ્ય દરબાર ભરાશે. સુરતના કાર્યક્રમ માટે પોલીસ મંજૂરી લઇ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલુ જ નહીં વીવીઆઇપીનો પણ અહીં જમાવડો થાય તેવી શક્યતા છે. સુરત બાદ 29 મેના રોજ અમદાવાદ અને 1 જૂનના રોજ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.