Abtak Media Google News

પ્રતિમણ રૂા.1110ના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરશે નાફેડ

આજે લાતી પાંચમના શુકનવંતા દિવસથી નાફેડ દ્વારા રાજ્યના 28 જિલ્લાના 140 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં આઠ કેન્દ્રો પરથી 57 હજાર ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે. હાલ બજારોમાં મગફળીના ભાવ 1200 થી 1300 રૂપિયા બોલાઇ રહ્યાં છે. જેની સામે નાફેડ દ્વારા પ્રતિ મણ રૂા.1110 મગફળીની ખરીદી કરવામાં આવશે.

ટેકાના ભાવે મગફળીના વેંચાણ માટે અગાઉ નોંધણી કરાવેલ ખેડૂતોને મોબાઈલ પર એસએમએસથી વેચાણ માટેની તારીખ અને સમયની જાણ કરીને ખરીદી કેન્દ્ર પર બોલાવવામાં આવશે. ત્યાર બાદ જ ખેડૂતોએ પોતાના મગફળી વેંચાણ કેન્દ્ર પર લઈ જવાની રહેશે. સાથે જ ખેડૂતો મગફળીના વેચાણ માટે આવે ત્યારે નોંધણી સ્લીપ પણ ફરજિયાત પણે લાવવાની રહેશે. સમગ્ર વેચાણ પ્રક્રિયા દરમિયાન ખેડૂતોએ કોવીડ-19 ની ગાઈડલાઇન્સનું ફરજિયાત પણે પાલન કરવાનું રેહશે.

સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ છે. ત્યારે પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં શરૂ કરાયેલ 9 ખરીદી કેન્દ્રો પર તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. ગત વર્ષની સરખામણીમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટેના રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેમાં ગત વર્ષની સાપેક્ષમાં વધુ 3775 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરીને સરકારના ખેડૂત લક્ષી અભિગમને આવકાર્યો છે.

ગત વર્ષે 9546 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 155790.70 ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી હતી. ગત વર્ષની સાપેક્ષમાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રિસ્ટ્રેશનમાં ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યારે વર્ષ 2020/21 માં 21614 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. તેની સાપેક્ષમાં વર્ષ 2021/22 માટે 25389 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે કોવિડ-19ની ગાઇડલાઇન્સ સાથે ખેડૂતો સરળ રીતે મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરી શકે તેના માટે તંત્ર દ્વારા બારીક બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે.

તમામ ખેડૂતો તાલુકા કક્ષાએ જ નજીકના સ્થળ પર ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી શકે તેના માટે જિલ્લાના કાજલી અને પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ અને કોડીનારના બિલેશ્ર્વર સુગર ફેક્ટરી ખાતે બે-બે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત તાલાલા માર્કેટીંગ યાર્ડ, ઉના તાલુકાના ખરીદ કેન્દ્ર અને ગીર ગઢડા તાલુકાના ખરીદ કેન્દ્ર ખાતે એક-એક મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરાયું છે. આમ, જિલ્લામાં કુલ-9 કેન્દ્રો પર મગફળીની ખરીદી શરૂ કરવામાં  આવશે.

જામ-જોધપુર માર્કટીંગ યાર્ડ મુકામે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ પૂર્વ કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરીયા દ્વારા માર્કેટીંગ યાર્ડ પ્રમુખ બિજરાજ જાડેજા, ઉપપ્રમુખ કરશનભાઈ કરંગીયા યાર્ડના ડીરેક્ટર કિશોરસિંહ જાડેજા, જયસુખભાઈ વડાલીયા, વેપારી અગ્રણી પ્રભુદાસભાઈ સુતરીયપ મામલદાર તાલુકા વિકાસ અધીકારીની ઉપસ્થીતીમાં કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.