Abtak Media Google News

ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતા રાહુલ ગાંધી: મહુવા બાદ રાજકોટમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરી દીધાં છે. આજે બપોરે તેઓએ સુરતના મહુવામાં જંગી ચૂંટણી સભા સંબોધ્યા બાદ સાંજે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં જંગી ચૂંટણી સભા સંબોધી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની ચૂંટણી સભાને સાંભળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. આજથી રાહુલ ગાંધી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની પ્રચારની કમાન સંભાળી લેવામાં આવી છે. આજે બપોરે તેઓએ સુરતના મહુવા ખાતે જંગી ચૂંટણી સભા સંબોધી હતી ત્યાં પણ તેઓને સાંભળવા માટે મોટી સંખ્યા લોકો ઉમટી પડ્યા હતા. રાજકોટમાં તેઓએ શાસ્ત્રી મેદાન ખાતે શહેરની ચારેય વિધાનસભા બેઠકો પરથી કોંગ્રેસના પ્રતિક એવા પંજાના નિશાન પર ચૂંટણી લડી રહેલા ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ, મનસુખભાઇ કાલરિયા, હિતેશભાઇ વોરા અને સુરેશભાઇ બથવારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધી હતી. તેઓએ રાજ્યની વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં.

તેઓએ સભામાં શાસકોને આડે હાથે લેતાં કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. હવે ગુજરાતવાસીઓ પણ પરિવર્તન ઇચ્છી રહ્યા છે. દેશભરમાં જે ગુજરાતનું વિકાસ મોડેલ ચલાવવામાં આવી રહ્યું છે તે વાસ્તવમાં તદ્ન આભાસી છે. ગુજરાતમાં બેરોજગારી, વહિવટી અકુશળતા, મોંઘવારી સહિતના પ્રશ્ર્નોથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે અને હવે પરિવર્તન ઇચ્છી રહી છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે આમ આદમી પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતાં.

તેઓએ વધુમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે કોંગ્રેસ હમેંશા પ્રજાના હિતમાં કામ કરનારી પાર્ટી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસને બહુમતી મળશે તો અમે જે આઠ વચનો ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યાં છે તેને પૂર્ણ કરવામાં કોઇ કચાશ રાખીશું નહિ. રાજકોટ શહેરની ચાર અને જિલ્લાની ચાર સહિત કુલ આઠ બેઠકો પર લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોને તોતીંગ લીડથી જીતાડવા માટે તેઓએ આહ્વાન કર્યું હતું. દરમિયાન આજથી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે રાહુલ ગાંધીની જન સભા યોજી હતી. સમગ્ર ગુજરાતમાં જનજન સુધી રાહુલ ગાંધીના વચનો અને સંદેશ પહોંચે તે માટે તમામ 182 વિધાનસભામાં વિસ્તારમાં ‘કાર્પેટ બોમ્બિંગ’ કરવા પ્રચંડ જનસભાનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધી મેઘા પાટકર વિશે શું બોલશે?

ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ મેઘા પાટકરને સાથે રાખતા ગુજરાત વિધાનસભાની ચુંટણી ટાંકણે જ ભાજપે મૂદ્દો મળી ગયો છે. કારણ કે ગુજરાતની જીવાદોરી સમાજ સરદાર સરોવર ડેમના નિર્માણ વખતે ચળવળકાર મેધા પાટકરે ભારે વિરોધ કર્યો હતો. તેઓની માનસિકતા ગુજરાત વિરોધી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. આવામાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ મેધા પાટકરને પોતાની સાથે રાખ્યા હતા આ ઘટના બાદ ભાજપે રાહુલ અને કોંગ્રેસનો વિરોધ કર્યો હતો. દરમિયાન આજે ગુજરાતમાં ચુંટણી પ્રવાસે આવી રહેલા રાહુલ ગાંધી મહુવા કે રાજકોટની ચુંટણી સભામાં મેધા પાટકર અંગે કશું બોલશે કે ચૂપ રહેશે તેના પર રાજકીય પંડિતોની મીટ મંડાયેલી છે. જો રાહુલ મેધા પાટકર અંગે બોલશે તો પણ ભાજપને મુદ્દો મળી જશે અને નહી બોલે તો પણ ભાજપને મુદ્દો મળી જશે. ગુજરાત વિધાનસભાની દરેક ચુંટણીમાં કોંગ્રેસ સામેથી ભાજપને મુદ્દો આપી દે છે. તેના જોરે ભાજપ જીત થાય છે. હવે મેધા પાટકરના મુદ્દાને ભાજપ કઇ રીતે ઉપાડે છે તે જોવાનું રહેશે. કોંગ્રેસના સ્થાનીક નેતાઓ મહામહેનત કરી વાતાવરણ બનાવે ત્યાં રાષ્ટ્રીય નેતાઓ તેની મહેનત પર પાણી ફેરાવી દે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.