Abtak Media Google News

શિયાળાની સીઝનની પહેલી ઝાકળ વર્ષાથી વાતાવરણ બન્યુ આહલાદક: રાજકોટમાં વિઝીબીલીટી માત્ર ૧૦૦૦ મીટરની રહેતા દિલ્હીથી વહેલી સવારે આવતી ફલાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરવી પડી: ઠંડીનો ચમકારો

ગુજરાત તરફ રાજસ્થાનથી પવન ફૂંકાવા લાગતા શિયાળાની સીઝનનો વિધિવત આરંભ થઈ ગયો છે. દરમિયાન આજે શિયાળાની સીઝનની પહેલી ઝાકળવર્ષા થવા પામી હતી. વહેલી સવારે નજારો કંઈક અલગ અને ખુબજ આહલાદક લાગતો હતો. જોરદાર ઝાકળવર્ષાના કારણે વિઝીબીલીટીમાં ધરખમ ઘટાડો આવી જતાં હવાઈ સેવા પર પણ અસર પડી હતી. ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. રાજકોટમાં વહેલી સવારે દિલ્હીથી આવતી ફલાઈટને અમદાવાદ તરફ ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે રાજકોટનું મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. શિયાળાની સીઝનની પ્રથમ ઝાકળવર્ષા આજે થવા પામી હતી. આગામી બે દિવસ સુધી હજુ ઝાકળવર્ષા ચાલુ રહે તેવી સંભાવના છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકાએ પહોંચી ગયું હતું. ઝાકળના કારણે સવારે વિઝીબીલીટી માત્ર ૧૦૦૦ મીટર જ રહેવા પામી હતી. એટલે કે, ૧૦૦૦ મીટરી વધુ દૂરની કોઈપણ વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાતી ન હતી. વહેલી સવારે મુંબઈથી રાજકોટ આવતી ફલાઈટ નીકળી ગયા બાદ જોરદાર ઝાકળવર્ષા થવા પામી હતી. જેની અસર દિલ્હીની ફલાઈટને પડી હતી. ઝાકળવર્ષાના કારણે પુરતી વિઝીબીલીટી ન હોવાના કારણે ફલાઈટ રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરી શકી ન હતી અને તેને અમદાવાદ ખાતે ડાઈવર્ટ કરવામાં આવી હતી. દરમિયાન સવારે ૧૦ વાગ્યે વાતાવરણ એકદમ ક્લિયર તા ફલાઈટનું રાજકોટમાં આગમન થયું હતું. નિર્ધારીત સમય કરતા અઢી કલાક ફલાઈટ મોડી થતાં મુસાફરો અકળાઈ ગયા હતા. આગામી બે દિવસ હજુ ઝાકળવર્ષા થશે અને ત્યારબાદ ૨૦મી નવેમ્બરી રાજ્યભરમાં શિયાળાની સીઝન બરાબર જમાવટ કરશે અને ઠંડીનું જોર વધશે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 2

આજે નલીયાનું લઘુતમ તાપમાન ૧૯.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને પવનની ઝડપ ૧૦ કિ.મી. રહેવા પામી હતી. જ્યારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૨૦.૫ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ અને પવનની ઝડપ ૨.૬ કિ.મી. રહેવા પામી હતી. સુરેન્દ્રનગરનું લઘુતમ તાપમાન ૧૯.૬ ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્રભરમાં જોરદાર ઝાકળવર્ષાના કારણે હાઈવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અપુરતી વિઝીબીલીટીના કારણે અકસ્માત ન સર્જાય તે માટે વાહનોની હેડ લાઈટ ચાલુ રાખી ડ્રાઈવીંગ કરવાની ફરજ પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.