Abtak Media Google News

જુના રાજકોટમાં ૩૧ મીમી, ન્યુ રાજકોટમાં ૩૨ મીમી અને સામાકાંઠા વિસ્તારમાં ૩૦ મીમી વરસાદ: શહેરમાં મોસમનો કુલ ૫ ઈંચ વરસાદ: વાતાવરણ એકરસ: ઝરમર વરસાદ ચાલુ: અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો: વાતાવરણમાં ઠંડક

 

ગુજરાત પર એક સાથે બે-બે સિસ્ટમો સક્રિય થતા આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજકોટમાં ગઈકાલ બપોરથી વાતાવરણ પલટાયું છે અને મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. આજે સવારથી બપોર સુધી શહેરમાં સવા ઈંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું નોંધાયું છે.

રાજકોટમાં આજે સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે. સવારથી મેઘરાજા ઝરમર વરસાદ વરસાવી રહ્યા છે. બપોરે ૧:૦૦ વાગ્યા આસપાસ મેઘરાજાનું જોર વઘ્યું હતું. ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં શહેરમાં સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે જુના રાજકોટમાં ૩૧ મીમી વરસાદ પડયો છે. ન્યુ રાજકોટમાં ૩૨ મીમી અને સામાકાંઠા વિસ્તારમાં ૩૦ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ફાયર બ્રિગેડના ચોપડે શહેરમાં મવડી સ્મશાન નજીક આવેલા પુલમાં એક ફોર વ્હીલ તણાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.1 43ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આજસુધી સેન્ટ્રલ ઝોનમાં ૧૩૦ મીમી, ઈસ્ટ ઝોનમાં ૮૯ મીમી અને વેસ્ટ ઝોનમાં ૧૩૨ મીમી વરસાદ પડયો છે. છેલ્લા બે દિવસથી શહેરમાં મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યા હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બપોરે ૧:૦૦ કલાકમાં ૧ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સ્વામિનારાયણ ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ પરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદ લોકોમાંથી ઉઠી રહી છે.

આગામી પાંચ દિવસ સુધી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય. એનડીઆરએફની એક ટીમ રાજકોટ આવી પહોંચી છે. ગઈકાલે સાંજે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા અને રામનાથ મહાદેવ મંદિર વરસાદના પાણીમાં અડધુ ડુબી ગયું હતું. ન્યારી ડેમમાં ૧૦ ફુટ પાણીની આવક થતા શહેરીજનો જળાશયોમાં વિશાળ જળરાશીને નિહાળવા માટે ઉમટી પડયા છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે લોકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

એનડીઆરએફની ટીમનું રાજકોટમાં આગમન : ગોંડલ, શાપરમાં ૧૮૦ લોકોનું સ્થળાંતર

એનડીઆરએફના આસી. કમાન્ડન્ટ ખાટાણાની આગેવાનીમાં ૩૭ જવાનો સજ્જ

લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ અંતે મેઘરાજાએ રાજકોટ જિલ્લામાં તોફાની ઇનિંગ્સની શરૂઆત કરતા જ એનડીઆરએફની ટીમે પણ રાજકોટમાં મોરચો સંભાળી લીધો છે, ગઈકાલે એનડીઆરએફના આસી.કમાન્ડન્ટ ખટાણાની આગેવાનીમાં ૩૭ જવાનો કુદરતી આપદા સામે બાથ ભીડવા મોરચો સાંભળી લીધો છે

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાજકોટ જિલ્લાના જેતપુર, કોટડા સાંગણી અને ગોંડલ અને તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે શાપર અને ગોંડલમાં તો ભારે વરસાદને પગલે ૧૮૦ લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા, બીજી તરફ ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટમાં એનડીઆરએફની ટીમે મોરચો સાંભળી લીધો છે.3 28ગઈકાલે જિલ્લામાં જેતપુર, ગોંડલ અને કોટડા સાંગણી તાલુકામાં ભરપૂર હેત વરસાવતા પુર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને શાપરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિમાં પુર જેવી પરિસ્થિતિ નિર્માણ થતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ૧૩૦ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવી રાત્રીના ભોજન સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગોંડલમાં પણ ભારે વરસાદને કારણે ૫૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ડીપીઓએ જણાવ્યું હતું અને ગોંડલ, શાપરને બાદ કરતા રાજકોટ જિલ્લામાં ક્યાંય પણ ચિંતાજનક પરિસ્થિતિ ન હોવાનું જણાવ્યું હતું.

હાલમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ જિલ્લામાં એનડીઆરએફની ટીમનું આગમન થયું છે અને ૩૭ જવાનો સાથે રાજકોટ આવેલી એનડીઆરએફ ટીમમાં આસી.કમાન્ડન્ટ ખટાણા પણ આવ્યા હોવાનું અને ટીમના જવાનો કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા સજ્જ હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે  જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.