Abtak Media Google News

એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રાજીવ ગાંધી આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા

ફાસ્ટ ડ્રાઈવીંગ, પાયલોટ રાજીવના નેતૃત્વમાં કોંગ્રેસની કાયાપલ્ટ અને દેશની દિશા અને દશા ટેકનોલોજીના આવિસ્કારથી બદલાઈ

ટેલીકોમ ટાઈકુન સામ પિત્રોડાને ભારત લાવી આધુનિક ટેલી કોમ્યુનિકેશનના પાયા, ઓટો મોબાઈલમાં ક્રાંતિ રાજીવના આભારી

21મી 1991નો દિવસ ભારતના રાજદ્વારી ઈતિહાસમાં કાયમી ધોરણે શોકમય અને દેશના યુવા વડાપ્રધાનનો ભોગ લેનારો દિવસ બની રહ્યો. ઈન્દિરા ગાંધીના પુત્ર અને જવાહરલાલ નહેરૂના નવાસા ભારતના છઠ્ઠા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાએ દેશ આખાને ખળભળાવી મુક્યો હતો. શ્રીલંકાને તામિલવ્યાગ્રોના આતંક માંથી છોડાવી જાફનામાં કરેલી સૈન્ય કાર્યવાહીનું વેર રાખીને રાજીવ ગાંધીની આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં શહિદ થયા હતા. 21મી મે 1991ની રાત્રે 10:21 કલાકે તામિલનાડુના પેરમબદુરમાં એક સાત વર્ષની છોકરી ચંદનનો એક હાર લઈને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી તરફ આગળ વધી અને જેવી રાજીવ ગાંધીને પગે લાગવા માટે વાંકી વળી એટલે થયેલા વિસ્ફોટમાં પૂર્વ વડાપ્રધાનનું મોત નિપજયું હતું. બોમ્બ વિસ્ફોટ પહેલા ચાંદલીયા ફૂટતા હોય તેવો અવાજ અને તતડાટી સંભળાયા પછી ભયંકર વિસ્ફોટ થયો. જેમાં તામિલનાડુ કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતા કે.મુપનાર, જયંતિ નટરાજન અને રામ મૂર્તિ હાજર હતા. આ ધડાકાએ દેશનું ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નદ્રષ્ટા અને સંપૂર્ણપણે આકસ્મિક રીતે દેશના વડાપ્રધાન બની ગયેલા રાજીવ ગાંધી શહિદ થઈ ગયા હતા. રાજીવ ગાંધીના લગ્ન એન્ટોનીયા માઈનો ઈટાલીયન લેડી સાથે થયા તેમણે વિદેશી પત્નીનું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું. રાજીવ ગાંધી સોનિયા ગાંધીને કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં મળ્યા હતા. 1968માં લગ્ન કર્યા બાદ રાજીવ અને સોનિયા ભારતમાં રહેવા આવ્યા હતા. તેમને પુત્ર રાહુલ ગાંધી 1970 અને પુત્રી પ્રિયંકા ગાંધી 1972 સંતાન રત્ન તરીકે મળ્યા હતા.

રાજીવ ગાંધીને રાજકારણમાં રસ જ નહોતો

રાજીવ ગાંધીને રાજકારણમાં રસ જ નહોતો, તે ફાસ્ટ ડ્રાઈવીંગનો શોખ ધરાવતા હતા અને એરલાઈન્સમાં પાયલોટની નોકરી કરતા હતા. પરંતુ 1980માં નાના ભાઈ સંજય ગાંધીના વિમાન અકસ્માતમાં મૃત્યુ થયા બાદ રાજીવ ગાંધીએ માતા ઈન્દિરા ગાંધીને સહકાર આપવા 1981માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને અમેઠીથી ચૂંટણી જીતી સાંસદ બન્યા. 31મી ઓકટોબર 1984ના દિવસે માતા ઈન્દિરા ગાંધીને અંગરક્ષકો દ્વારા જ શહિદ કરી દીધા બાદ નહેરૂ પરિવારના વિશ્ર્વાસુ રાષ્ટ્રપતિ ગ્યાની જેલસિંગે રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવ્યા. ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીની સહાનુભુતિમાં કોંગ્રેસે પ્રચંડ વિજય મેળવ્યો હતો. ભાજપમાં અટલ બિહારી બાજપેયી અને અન્ય એક મળી કુલ બે જ બેઠકો મળી હતી.

રાજીવ ગાંધી વિજ્ઞાન અને ટેકનોલોજીના હિમાયતી, ટેલીકોમની ક્રાંતિ તેમના આભારી

રાજીવ ગાંધી ભારતમાં ટેકનોલોજીમાં ક્રાંતિ લાવનારા ગણવામાં આવે છે. ટેલી કોમ્યુનિકેશન વિકાસ માટે તેમણે સામ પિત્રોડાને ભારતમાં લાવી ભારતને ડિજીટલ યુગમાં આગળ વધારી આજે જે ટેલીકોમ સવલત છે તેના મુળમાં રાજીવ ગાંધીની રૂચી ગણવામાં આવે છે. તેમણે ઓટો મોબાઈલ ક્ષેત્રે પ્રોત્સાહન આપ્યું અને વિદેશી કંપનીઓને ભારતમાં લાવ્યા. રાજીવ ગાંધીએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં મહિલાને 33 ટકા અનામત મતદારોની ઉંમર 21 થી ઘટાડી 18 વર્ષ યુવાનોને મત દેવાનો અધિકાર આપ્યો. 21 મે 1991માં લીબ્રેશન ટાઈગર ઓફ તામિલ ઈલમ નામના આતંકવાદી સંગઠને રાજીવ ગાંધીની હત્યા કરી નાખી.રાજીવ ગાંધીના જીવન દરમિયાન અનેક કૌભાંડોમાં તેમનું નામ ચર્ચાયું પરંતુ મૃત્યુ બાદ અનેક ફાઈલો બંધ કરી દેવામાં આવી. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે, રાજીવ ગાંધી પરિવારના નજીકના ઈટાલી વેપારી કોત્રોચીએ બોફોર્સ તોપોની ખરીદીના સોદામાં 1.42 કરોડની લાંચ લીધી હતી. 2007માં કોત્રોચી સામે રેડકોર્નર નોટિસ જારી કરી હતી અને 25 દિવસની રિમાન્ડ લેવાઈ હતી. સક્રિય રાજકારણમાં પણ ખુબજ યોગદાન આપ્યું. તેમણે યુવાનોને રાજકારણમાં મહત્વ આપવાની પહેલ કરી કોંગ્રેસની કાયાપલટ અને ઈન્દિરા ગાંધીની લોકપ્રિયતાની પાંખે પક્ષને ખુબજ મોટી બહુમતિથી તેમણે વિજય અપાવ્યો હતો. રાજીવ ગાંધીનું અંગત જીવન ખુબજ સરળ અને મનમાં ક્યારેય તેમણે સક્રિય રાજકારણમાં આવવાનું વિચાર્યું પણ નહોતું પરંતુ ભાઈ સંજય ગાંધીના મૃત્યુ બાદ માતાને મદદરૂપ થવા માટે રાજકારણમાં જોડાયા અને ઈન્દિરા ગાંધીની હત્યા બાદ આકસ્મિક સંજોગોમાં વડાપ્રધાન બન્યા અને તેમણે પણ તેમની માતાની જેમ ભારતની વસુદેવ કુટુંમ્બકમની ભાવનાને ઉજાગર કરવા તામિલનાડુના તામિલવ્યાગ્રો સામે શ્રીલંકાને લશ્કરી કાર્યવાહી કરી હતી અને આ જ વેરમાં તામિલવ્યાગ્રોએ રાજીવ ગાંધીનો ભોગ લઈ લીધો. આજે સમગ્ર દેશ શહિદ વડાપ્રધાન રાજીવ ગાંધીને નવભારતના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજીના આવિસ્કાર માટે યાદ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.