Abtak Media Google News

પ્રોડક્શનમાં વધારો અને ઇમ્પોર્ટમાં ઘટાડો સહિતના કારણોસર ખાદ્યતેલના અસહ્ય બનેલા ભાવ નિયંત્રણમાં આવે તેવી પ્રબળ શક્યતાઓ

દર વર્ષે ચીન મોટા જથ્થામાં પાલ્મ તેલની આયાત કરે છે જેની સીધી અસર ભારતીય બજારમાં વેંચાતા ખાદ્યતેલના ભાવને થાય છે. છેલ્લા આઠ મહિનામાં ભારતીય બજારમાં ખાદ્યતેલના ભાવમાં અધધધ ૪૦થી  ૫૦%નો ઉછાળો નોંધાયો છે. ત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં ચીન સરેરાશ દર વર્ષે જેટલી માત્રામાં ખાદ્યતેલની આયાત કરે છે તેની સરખામણીમાં ઓછી આયાત કરશે જેના કારણે ભારતીય બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાવાની શકયતા છે.
જો ચીન પામતેલની આયાત ઘટાડે તો ભારતમાં ખાદ્યતેલના ભાવ ઘટવાની ધારણા છે. કોવિડ -૧૯ ના કારણે સર્જાયેલી આર્થિક મંદી વચ્ચે છેલ્લા આઠ મહિનામાં ખાદ્યતેલોની કિંમતોમાં ૪૦-૫૦% નો વધારો થયો છે જેનો સીધો બોજો ગ્રાહકોના ખિસ્સા પર પડ્યો છે.
વર્ષ ૨૦૨૧-૨૨માં ચીન તેની પામ ઓઇલની ખરીદી ઘટાડે તેવી ધારણા છે, જે ઓક્ટોબર ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી અસરગ્રસ્ત રહેશે કારણ કે, તે સ્થાનિક ખાદ્યતેલના ઉત્પાદનમાં વધારો કરવા તરફ આગળ વધી રહ્યું છે. ઉપરાંત ઉદ્યોગ ઇચ્છે છે કે, સરકાર ખાદ્યતેલો પરની આયાત ડ્યુટી ઘટાડે જેથી ગ્રાહકોને થોડી રાહત મળે. ક્રૂડ પામ ઓઇલ, સૂર્યમુખી અને સોયાબીન તેલ પરની આયાત શુલ્ક ૧૫% છે.  સીપીઓ પર ૧૭.૫% સેસ અને ક્રૂડ સોયાબીન અને સૂર્યમુખી તેલ પર ૨૦% સેસ છે.
છેલ્લાં આઠ મહિનામાં આયાતી ક્રૂડ પામ તેલની કિંમતો ૮૦૦ ડોલર પ્રતિ ટનથી વધ્યો છે. આ જ પ્રકારની હિલચાલ સોયાબીન અને સૂર્યમુખી તેલોમાં જોવા મળી છે તેવું એમ ઓઇલ કન્સલ્ટન્સી ફર્મ સનવિન ગ્રુપના સીઇઓ સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું.  આયાતી સોયાબીન તેલની કિંમતો તે જ સમયગાળામાં ટન દીઠ  800 ડોલરથી વધીને ૧૫૨૫ ડોલર થઈ ગઈ છે.  તો સૂર્યમુખી તેલમાં પણ ૧૨૫૦ ડોલર પ્રતિ ટનથી વધીને ૧૬૦૦ ડોલર સુધી પહોંચ્યો છે.  નોંધનીય બાબત છે કે, વર્ષ ૨૦૦૮ પછીનો સૌથી મોટો ઉછાળો છે. જે અંગે ઉદ્યોગ અધિકારીઓનું માનવું છે કે, સરકારે ખાદ્યતેલના ભાવમાં ગ્રાહકોને થોડી રાહત આપવા માટે આયાત ડ્યુટી ઘટાડવી જોઈએ.
ચીનની એગ્રિકલ્ચર આઉટલુક કમિટીએ વર્ષ ૨૦૨૧-૨૨ પામ ઓઇલની આયાતનો અંદાજ ઘટાડીને ૪.૨૦ મિલિયન ટન કરી છે, જે મે ૧૩, ના રોજ જાહેર થયેલા ચાઇનીઝ એગ્રિકલ્ચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડ અંદાજ અહેવાલમાં જણાવાયું છે.  આવતા મહિનામાં ચીની ખરીદદારોના વલણની સીધી અસર આપણા ભાવો ઉપર પણ પડશે તેવું સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ જણાવ્યું હતું.
ભારતનો કુલ વાર્ષિક ખાદ્યતેલનો વપરાશ ૨૨-૨૩ મિલિયન ટન છે.  સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આંકડા મુજબ, એપ્રિલ ૨૦૨૦માં વનસ્પતિ તેલોની આયાત ૧,૦૫૩,૩૪૭ટન હતી, જેની તુલનામાં એપ્રિલ ૨૦૨૦ માં ૧,૦૨૯,૯૧૨ ટન ખાદ્ય તેલો અને ૨૩,૪૩૫ ટન બિન ખાદ્યતેલનો સમાવેશ થાય છે.

વૈશ્વિક બજાર ઢીલુ પડ્યું, ગ્રાફ સતત નીચે આવી રહ્યો હોય ખાદ્યતેલના ભાવ પણ નીચે આવે તેવા અણસાર: ડો. બી. વી. મહેતા

સોલવન્ટ એક્સ્ટ્રેકટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે બે દિવસમાં આંતરરાષ્ટ્રીય માર્કેટ ઢીલી પડી છે. હજુ માર્કેટનો ગ્રાફ ધીમે ધીમે નીચે ઉતરી રહ્યો છે. અગાઉ માર્કેટ હાઈ ગયા બાદ હવે તે લો થઈ રહ્યો છે. બીજી તરફ પામ અને સોયાબિનનું પ્રોડક્શન પણ વધ્યું છે. વરસાદ પણ સારો થયો છે. અને હજુ સારો વરસાદ થાય તેવી આશા છે. સરકારે પણ ભાવ ઉપર દબાવ રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. સાથોસાથ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ બધું જોતા લાગી રહ્યું છે કે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાઇ શકે છે. જો કે અત્યારે તો વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે. પણ જૂન મહિનામાં રાહત થાય તેવા સંકેત મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.