Abtak Media Google News

આરોગ્યકર્મી દ્વારા બે જિંદગીનો આબાદ બચાવ

રાજ્યમાં કોઈ પણ જગ્યાએ આરોગ્યલક્ષી કોઈપણ ઈમરજન્સી સેવાની જરૂર પડે તો 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 24*7 દિવસ લોકોની મદદે આવવા તૈયાર રહે છે. 108 એમ્બ્યુલન્સ અનેક લોકો માટે દેવદૂત સાબિત થઈ છે. આવા જ એક કેસમાં રાજકોટનાં પાંચતલાવડા ગામની એક પ્રસુતા માટે 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઈ છે. 108ના જિલ્લા સુપરવાઈઝર  વિરલ ભટ્ટએ કેસ વર્ણવતાં જણાવ્યું હતું કે, રાજકોટના ગોંડલ તાલુકાના પાંચતલાવડા ગામમાં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ગુડીબેન કાળુભાઈ શિંગાડીયાને પ્રસુતિની પીડા ઉપડતા 108ને કોલ કરી બોલાવી હતી.

Advertisement

કોલ આવ્યાની થોડી જ ક્ષણોમાં 108ની ટીમ ઈએમટી કિશન રાજાણી અને પાયલોટ દેવસુરભાઈ ગઢવી સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગોંડલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ડિલિવરી કરાવવી જરૂરી હોવાથી આરોગ્યકર્મીએ એમ્બ્યુલન્સમાં જ ઈ.આર.સી. પી. ડો.અંજલિની ઓનલાઈન મદદ મેળવી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી.વધુ સારવાર અર્થે મહિલાને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે.

108ના આરોગ્યકર્મીએ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરીને બે જિંદગીનો આબાદ બચાવ કરવા બદલ તેણીના પરિવારે 108ની સમગ્ર ટીમ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.