Abtak Media Google News

અલગ-અલગ 12 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા: મોબાઇલ અને ઇલેક્ટ્રીક વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ખાલી પડેલી અલગ-અલગ 66 જગ્યાઓ ભરવા માટે આગામી રવિવારે 12 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ કે અન્ય કોઇ ઇલેક્ટ્રીક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મેડિકલ ઓફિસરની 11 જગ્યા માટે 171 ઉમેદવાર, ફિમેલ હેલ્થ વર્કરની 44 જગ્યાઓ માટે 5656 ઉમેદવાર, લેબ ટેકનિશિયનની સાત જગ્યાઓ માટે 1920 ઉમેદવાર અને ફાર્માસિસ્ટની ચાર જગ્યાઓ માટે 495 ઉમેદવારોએ અરજી કરી છે.

આગામી રવિવારે અલગ-અલગ 12 કેન્દ્રો પરથી ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. આ લેખિત પરીક્ષા અંગેના કોલલેટર ડાઉનલોડ કરવા ઉમેદવારોને મોબાઈલ એસએમએસ તથા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ દ્વારા જાણ કરવામાં આવેલ છે. લેખિત પરીક્ષા અંગેના કોલલેટર ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ (www.rmc.gov.in) પરથી ડાઉનલોડ કરી શકશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરીક્ષા અન્વયે પરીક્ષા કેન્દ્ર દીઠ-2 થી 3 વિડીયોગ્રાફર તથા દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ. લેખિત પરીક્ષામાં રાજકોટ મહાનગરપાલિકાનાં કુલ-75 જેટલા અધિકારી/કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે.

આ પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ છે. પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ તથા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવવા અંગે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.