Abtak Media Google News

બીજા ધર્મના વ્યક્તિને મિલકત વેચવા માટે 100 અરજીઓ મળી, તમામ અરજીઓ વિવિધ અર્થે અભિપ્રાયમાં મોકલાઈ હોવાથી પેન્ડિંગ હાલતમાં

રાજકોટમાં અશાંતધારા હેઠળના વિસ્તારોમાં અત્યાર સુધીમાં 400 જેટલી મિલ્કતોના વેચાણને લીલીઝંડી મળી ગઈ છે. જો કે બીજા ધર્મના વ્યક્તિને મિલકત વેચવા માટે 100 અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓ વિવિધ અર્થે અભિપ્રાયમાં મોકલવામાં આવી હોય જેથી તે પેન્ડિંગ હાલતમાં છે.

Advertisement

રાજકોટમાં તા.13 જાન્યુઆરી 2021થી  શહેરના વોર્ડ નંબર 2ની છોટુ નગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી, આસુતોષ સોસાયટી સિંચાઈ નગર, આરાધના સોસાયટી, સ્વસ્તિક સોસાયટી, પ્રગતિ સોસાયટી, ઇન્કમટેક્સ સોસાયટી, બેંક.ઓફ.બરોડા સોસાયટી, દિવ્ય સિદ્ધિ સોસાયટી, જીવન પ્રભા સોસાયટી, અંજની સોસાઇટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, યોગેશ્વર પાર્ક શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નહેરુનગર, રાજનગર  અને અલકાપુરી સોસાયટી સહિત 28 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેથી આ સોસાયટીઓમાં મિલકત વેચવા-ખરીદવા માટે કલેક્ટર તંત્રની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે.

છેલ્લા પાંચ મહિનામાં અશાંતધારા હેઠળના વિસ્તારની સોસાયટીઓમાંથી 500થી વધુ મિલકતોના વેચાણ માટેની અરજીઓ કલેકટર તંત્રને મળી છે. એક ધર્મના લોકો પોતાની મિલકત પોતાના જ ધર્મના લોકોને  વેચવા માગતા હોય તેવા 400 જેટલા કિસ્સામાં મિલકત તબદીલ-વેચાણની મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ અસમાન ધર્મના કિસ્સામાં એટલ કે એક ધર્મના લોકો અન્ય ધર્મના લોકોને મિલકત વેચવા માગતા હોય, તેવા કિસ્સામાં 100 જેટલી અરજીઓ વિવિધ અભિપ્રાય અર્થે મોકલવામાં આવેલી છે. તેમાં  પૂરતી તપાસ પછી જ નિર્ણય લેવાવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

માત્ર ખરીદ- વેચાણ જ નહીં બક્ષિસ કે અન્ય કોઈ રીતે તબદીલ કરવા પણ કલેકટરની મંજૂરી અનિવાર્ય

અશાંતધારો લાગુ છે. તે વિસ્તારમાં માત્ર મિલકત ખરીદવા વેચવા જ નહીં પરંતુ બક્ષીસથી તબદીલ કરવા, કે અન્ય કોઈ રીતે ટ્રાન્સફર કરવા માટે પણ કલેક્ટર તંત્રની મંજૂરી અનિવાર્ય છે. આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવાની જોગવાઈ છે.

અશાંતધારો 12 જાન્યુઆરી 2026 સુધી લાગુ રહેશે

સરકાર દ્વારા આ અશાંતધારો 13 જાન્યુઆરી 2021થી અમલમાં મુકવામાં આવ્યો છે. જે 12 જાન્યુઆરી 2026 સુધી લાગુ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન 28 સોસાયટીઓમાં સ્થાવર મિલકતોના વેચાણ માટે જિલ્લા કલેકટરની મંજૂરી જરૂરી બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.