Abtak Media Google News

મોડી રાતે લાઈટ જતા પેટ્રોલનો શીશો સળગતા વિકરાળ આગ ભભૂકી : ફાયર બ્રિગેડે આગ બુજાવી

બાળકી અને મહિલાની હાલત ગંભીર

રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા કુવાડવા પોલીસસ્ટેશનની પાસે દેવનગર ખાતે એક ઝૂંપડામાં રાત્રિના 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઊઠતા એક, આઠ અને દસ વર્ષની ત્રણ બાળકી સહિત 7 લોકો દાઝી જતાં તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયાં એક વર્ષની માસુમ બાળકીનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગળકાવ થયો છે.

પોલીસસૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ દેવનગર ખાતે પાણીના ખાડાવાળી જગ્યામાં આવેલ એક ઝૂંપડામાં આગ લાગતા પૂરી મંગાભાઈ સોલંકી (ઉ.વ.1), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉ.વ.10), ભાવુબેન મંગાભાઈ સોલંકી (ઉ.વ.25), પૂંજી મંગાભાઈ સોલંકી (ઉ.વ.8), રૂપા સુનિલભાઈ સોલંકી (ઉ.વ.26) અને બે બાળકો દાઝી ગયા હતા.બનાવની જાણ ફાયર બ્રિગેડના સ્ટાફને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી અને દાઝેલા સારવાર અર્થે તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જયાં એક વર્ષની માસુમ બાળકી પૂરી મંગાભાઈ સોલંકીનું મોત નીપજ્યું છે.જયારે પ્રિયા અને ભાવુબેનની હાલત અતિ ગંભીર છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું  છે કે, મોડી રાત્રે ઝૂંપડામાં લાઈટ જવાથી મંગા દ્વારા દીવાસળી સરગવામાં આવી હતી ત્યારે પેટ્રોલના શીશામાં દીવાસળી અડી જતા વિકરાળ આગ ભભૂકી હતી જેથી ઝૂંપડામાં રહેલા ઘાસના કારણે આગની ચપેટમાં આવ્યું હતું. આગમાં લાકડા,ગાદલા-ગોદડાં,પંખા સહીત ઘરવખરીનો સામાન સળગી અને ખાખ થયો હતો.આગના કારણે અંદર સૂતેલા બાળકો અને મહિલાઓ દાઝી ગઈ હતી.જેમાં સાત લોકોને પોલીસ વનમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજ વહેલી સવારે માસુમ બાળકી પુરીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

વધુમાં એક મહિલાએ એવી માહિતી આપી હતી કે, સુનિલ અને માંગો સાંજના સમયે બહાર ગયા હતા. મોડીરાત્રે તેઓ બન્ને પરત આવ્યા હતા. ત્યારે તેમની પાસે એક પેટ્રોલ જેવો જવલનશીલ પદાર્થ ભરેલો કેરબો હતો અને લાઈટ આ કેરબો કેટલો ભરેલો છે તેની ચકાસણી કરવા માટે બેમાંથી એક વ્યક્તિએ માચીસ કાઢીને દીવાસળી સળગાવતા આગ લાગી હતી. પરંતુ, સત્ય શું છે તે ફોરેન્સિક રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આગ પેટ્રોલથી લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.