Abtak Media Google News

1997માં છાત્રો, તરૂણો, કિશોરો, યુવાવર્ગ માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ દશ મૂળભૂત જીવન કૌશલ્યોની વ્યાખ્યા આપી છે: આજનો યુવાવર્ગ લાઇફ સ્કીલ હસ્તગત કરશે તો જ વિકાસ કરી શકશે: જીવન કૌશલ્ય સાથેનું શિક્ષણ જ જીવનશૈલી સુધારતું શિક્ષણ છે

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ શારીરીક, માનસિક અને સામાજીક એમ ત્રણેય પાસાઓને આવરી લઇને સ્વાસ્થ્યની વ્યાખ્યા કરી છે: માનવ સમાજના અસ્તિત્વ અને વિકાસ પાછળ યુવાવર્ગનું આગવું પ્રદાન હોવાથી સમાજમાં યુવાવર્ગને યુવાધન તરીકે સંબોધન થાય છે, આપણાં દેશમાં દર ત્રીજી વ્યક્તિ 20 થી 30 વર્ષનો યુવાન છે

લાઇફ સ્કીલ અર્થાત્ જીવન કૌશલ્ય….આની સાદી વ્યાખ્યા જોઇએ તો “જીવન કૌશલ્ય શિક્ષણ એટલે જીવનમાં આગળ વધવા માટે સફળ, સુખમય, શાંતિમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે તથા સતત વિકાસશીલ રહેવા માટે જરૂરી એવું કૌશલ્ય, જીવનશૈલી સુધારતું શિક્ષણ.

જીવન કૌશલ્ય શિક્ષણનો હેતું એ છે કે વિદ્યાર્થી બાળપણથી જ જીવન કૌશલ્યોને તેમની સમજણ શક્તિમાં ઉતારીને વર્તનમાં મુકતા શીખે અને પોતાની અંગત, સામાજીક અને દુન્યવી રીતે કાળજી પૂર્વકના આયોજન દ્વારા સતત વિકાસ પામતાં રહે. વળી, તે તેમની શારીરીક અને માનસિક ક્ષમતાઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને વ્યક્તિત્વનો સંર્વાંગી વિકાસ સાધે તે જરૂરી છે.

1997માં છાત્રો, તરૂણો, કિશોરો, યુવાવર્ગ માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ દસ મૂળભૂત જીવન કૌશલ્યોની વ્યાખ્યા આપેલ છે. આજે જ્યારે સ્કીલ ડેવલપમેન્ટની વાતો થઇ રહી છે ત્યારે યુવા વર્ગે આ લાઇફ સ્કીલ કે જીવન કૌશલ્યો પ્રાપ્ત કરવા જ પડશે. સ્વજાગૃતિ, સમાનુભૂતિ-પરાનુભૂતિ, સમસ્યા ઉકેલ, નિર્ણયશક્તિ, અસરકારક પ્રત્યાયન, આંતર માનવીય વ્યવહારો, સર્જનાત્મક ચિંતન, વિવેચનાત્મક ચિંતન, સંવેગાનુકૂલન તથા તણાવ અનુકૂલન આ દશ જીવન કૌશલ્યો છે. આ મૂળભૂત કૌશલ્યો, વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તનના સંદર્ભમાં એકબીજા સાથે સંકળાયેલા છે. આ કૌશલ્યો એક યા બીજી રીતે હસ્તગત થતાં જ વ્યક્તિત્વનો અને સામર્થ્યનો વિકાસ થાય છે. પરિણામે માનવ જીવન ઉન્નત બને છે.

સ્વ જાગૃતિ : સ્વ જાગૃતિમાં આપણી જાત, આપણું ચારિત્ર્ય, આપણી શક્તિઓ અને આપણી મર્યાદાઓ કે નબળાઇઓ, આપણી ઇચ્છાઓ કે અભિલાષા અને આપણી અણગમતી બાબતો વિશેની સ્પષ્ટ જાણકારી હોવી વિગેરે બાબતનો સમાવેશ થાય છે.

સમાનુભૂતિ/પરાનુભૂતિ : આ એક એવું કૌશલ્ય છે કે જેના થકી આપણે અન્યની પરિસ્થિતિથી વાકેફ ન હોવા છતાં પણ તેના જીવનની પરિસ્થિતિ વિશેની અનુભૂતિ કરી શકીએ. જે આપણી જાત કરતાં તદ્ન ભિન્ન હોવા છતાં પણ અન્યની વર્તુંણક સમજવા અને સ્વીકારવામાં આપણને મદદરૂપ થાય છે.

સમસ્યા ઉકેલ : જેમાં વ્યક્તિ કોઇ ચોક્કસ સમસ્યાનાં સંદર્ભમાં તેના શક્ય વિકલ્પોમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરે છે અને ગમે તેટલા અવરોધો છતાં યોગ્ય હકારાત્મક ઉકેલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચોક્કસ કાર્ય પધ્ધતિને અનુસરે છે.

નિર્ણયશક્તિ : આ મૂલવણીની એક એવી ક્રિયા છે કે જેમાં વ્યક્તિ કોઇ ઘટના, પરિસ્થિતિ બાબત માટેના શક્ય તમામ પ્રાપ્ત વિકલ્પો અને તે માટે લેવાનાર જુદા-જુદા નિર્ણયોની તે બાબત પર પડનારી શક્ય અસરો વિશે વિચારે.

અસરકારક પ્રત્યાયન : આ કૌશલ્ય દ્વારા વ્યક્તિ અસરકારક રીતે પોતાનાં વિચારોને શાબ્દિક કે અશાબ્દિક રીતે અભિવ્યક્ત કરે છે.

આંતર માનવિય વ્યવહારો : આ એક એવું કૌશલ્ય છે કે આપણને આપણાં અન્ય સાથેના સંબંધોને સારી રીતે સમજવામાં અને તેને હકારાત્મક રીતે વિકસવામાં મદદરૂપ થાય છે.

સર્જનાત્મક ચિંતન : આ કૌશલ્ય આપણને આપણાં પ્રત્યક્ષ અનુભવો અને અન્ય બાબતો અંગે સર્વમાન્ય કે ચિલાચાલું કરતાં કંઇક નવા દ્રષ્ટિકોણથી વિચારવાનું સમાર્થ્ય પુરૂં પાડે છે.

વિવેચનાત્મક ચિંતન : આ કૌશલ્ય દ્વારા વ્યક્તિ હેતુઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ માહિતી અંગે અનુભવોનું વિશ્ર્લેષણ કરે છે.

સંવેગાનુકૂલન : આ કૌશલ્યોમાં પોતાની અને અન્યની લાગણીઓ ઓળખવી, સમજવી, તેની વર્તુણક પર થતી અસરો વિશે જાણવું અને લાગણીઓના આવેગ સામે પ્રતિભાવ આપવા સક્ષમ બનવું વિગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

તણાવ-અનુકૂલન : આ કૌશલ્યમાં આપણાં જીવનમાં તણાવ ઉત્પન્ન થવાનાં કારણો વિશે જાણવું. તેની આપણાં પર થતી અસરો વિશે સમજવું અને તનાવ પર નિયંત્રણ મેળવી શકાય તેવી વિવિધ રીતે વર્તુવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાઓ શારિરીક, માનસિક અને સામાજીક, એમ ત્રણેય પાસાઓને આવરી લઇને સ્વાસ્થ્યની વ્યાખ્યા કરી છે.

“રોગો કે ખોડખાંપણનો અભાવ માત્ર નહીં, પરંતુ સંપૂર્ણ શારીરીક, માનસિક અને સામાજીક આધ્યાત્મિક સજ્જતાને સ્વાસ્થ્ય, તંદુરસ્તી કે આરોગ્ય કહે છે”

આજે ભારત દેશમાં 57 કરોડથી વધુ યુવાવર્ગ છે ત્યારે આવા જીવન કૌશલ્યો કેળવીને તેનો સંપૂર્ણ વિકાસ કરશે ત્યારે જ ખરા અર્થમાં દેશ વિકાસ કરશે. યુવા શક્તિનો વિકાસ જ તમામ સમસ્યાનો અંત છે.

 

યુવાનો સમાજની કરોડરજ્જુ

વસ્તીની દ્રષ્ટિએ ચિન પછી ભારત વિશ્ર્વમાં બીજા ક્રમે છે. આપણાં દેશમાં દર ત્રીજી વ્યક્તિ 20 થી 30 વર્ષનો યુવાન છે. આપણાં યુવાનો આપણી કિંમતી મુડી છે. જેઓ દેશના નવ નિર્માણમાં મહત્વનો રોલ અદા કરી શકે છે. યુવાનોની જ્યારે પણ વાત થાય ત્યારે તેને સમાજ, દેશ, દુનિયાની તાકાત સ્વરૂપે જોવાય છે પણ વાસ્તવમાં યુવાનો સમાજની કરોડરજ્જુ છે. આજના યુવા વર્ગને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. આ માટે સમાજમાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. જો આમ થશે તો જ ઉત્તમ સમાજનું નિર્માણ થઇ શકશે. આજના યુવાનોએ પણ પોતાના સંર્વાંગી વિકાસ બાબતે સતત અને સક્રિય રીતે જાગૃત થવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.