Abtak Media Google News
એક માસ પહેલા જ પેટિયું રોડવા આવેલા પરપ્રાંતીય યુવાનને રસ્તો ઓળંગતી વેળાએ કાળ ભેટ્યો

રાજકોટ નજીક કુવાડવા ઇન્ડસ્ટ્રીઝ એરિયા પાસે રસ્તો ઓળંગતા પરપ્રાંતીય રાહદારી યુવાનને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાતા ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસ પહેલા ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક આવેલા કુવાડવા જીઆઈડીસીમાં પરેશ ટ્રેડ્સ કંપનીમાં કામ કરતો જગવીર કાલટેન યાદવ નામનો 40 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં સાતડા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન માતેલા સાંઢની માફક ધસી આવેલા અજાણ્યા વાહનના ચાલકે યુવાનને ઠોકરે ચડાવ્યો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને ચાલુ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરપ્રાંતીય પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથધરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ બિહારનો વતની હતો અને છેલ્લા એકાદ માસથી અહીં મજૂરી કામ માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે એરપોર્ટ પોલીસે જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.